આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સોરઠી બહારવટીયા
 


વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મુંગે મ્હેાંયે એની પાછળ, મનમાં ને મનમાં એની તારીફ કરતાં કરતાં, ચાલતાં થયાં. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢીઆ રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદુકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભુજની ફોજને સૂસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી. રેતી ધખધખે છે. ચારે બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બુમ પાડી,

“વાલા ! હવે શું ઈલાજ કરશું ? ગોળીએાના મે' વરસતા આવે છે.”

“ઉંટ ઝુકાવો અને ચોફરતા ઉંટ બેસાડી, ઉંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ, બેલીડા ! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.”

સબોસબ સાંઢીયા કુંડાળે ઝોકારવામાં આવ્યા, અને વચ્ચે બહારવટીયાનું જૂથ સાંઢીઆના શરીરોની ઓથે લપાઈ બંદુકોમાં દારૂગોળી ધરબવા મંડ્યું.

“મને ભરી ભરીને દેતા જાવ ભાઈઓ !” એમ કહીને વાલે અક્કેક બંદુક ઉપાડી ઉપાડી, પોતાના ઠુંઠા હાથ ઉપર બંદુકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. આંહીથી ગોળી છુટે તો સામી ફોજનાં માણસોમાંથી આ અક્કેકને ઠાર કરતી જાય છે અને સામેથી આવતી ગોળીઓ સાંઢીયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીએાની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારૂં ઉતર્યું એટલે બહારવટીયા ઉંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.


રિપર અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે. બે બાજુ એ પાણી ચાલ્યાં જાય છે, ને વચ્ચે એક ખાડો છે.