આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૧૫
 

આંકડા ચડાવીને પૂછતો કે “જો મેઘા, હું મીયાણા જેવો લાગું છું કે નહિ ?”

મેઘો બિચારો નોકર હોવાથી ડોકું ધુણાવતો કે “હા સાહેબ, સાચી વાત. અસલ મીયાણા લાગો છો હો ! તમારા સામી કોઈ નજર ન માંડી શકે !”

દરરોજ મીયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસ સવારે માળીયાના મીયાણાની હાજરી લઇ રહ્યો છે, ખોંખારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે, તે વખતે આમર મૂરૂ નામના મીયાણાએ વાત કાઢી કે

“સાહેબ, અમને તો પાસ પરવાના આપી આપીને દિવસ રાત હાજરી લઈ હેરાન કરો છો, પણ ઓલો વાલીયો ઠુંઠો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે, એને એક વાર પાસમાં નોંધાવો ને ! એને સજા કરો ને ! હાલો દેખાડું. આ બેઠા ભાળીયાના થડમાં જ. ”

“બોલ મા, તારૂ સારૂં થાય ! આમરીયા બોલ મા, મને બિમારી છે. ”

વાલીયાનું નામ સાંભળતાં જ એ મીયાણા વેશધારી સાહેબને બિમારી થઈ આવી હતી.

જામનગરનો પોલિસ ઉપરી ઓકોનર સાહેબ કરીને એક ગોરો હતો. ઓકોનર પેાતાની ટુકડી લઈને વાલાની ગંધે ગંધે ભમે છે. એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે. દિવસનું ટાણું છે. એવે એક ભરવાડ હાથમાં પગરખાં લઈને શ્વાસભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું કે “સાહેબ, ચાલો બહારવટીવા બતાવું.”

“જાવ સાલા ! નહિ આવેગા ”