આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સોરઠી બહારવટીયા
 


“અરે સાહેબ, પણ બહારવટીયા સપડાઈ ગયા છે. તમારે જરાય જોખમ નથી.”

“કયા હે? ”

“સાહેબ, આમરણ બેલાના મોહારમાં સૂકી જગ્યા જાણીને બારવટીયા ચાલ્યા ગયા, અને વાંસેથી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું, એટલે અટાણે બારવટીયા એક ટેકરી માથે ઉભા થઈ રહ્યા છે, ને ચારે દૃશ્યે જળબંબાકાર છે. ભાગવાની બારી નથી રહી. પાંચ ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે. માટે ચાલો.”

“ જાવ, હમ નહિ આવેગા.”

“અરે ફટ્ય છે તારી ગોરી ચામડીને, માળા કોઢીયા !”

એટલું કહીને ભરવાડ ઉપડ્યો, આવ્યા આમરણ દરબારની પાસે. આમરણ દરબાર તૂર્ત જ વારે ચડ્યા. લપાતા લપાતા બરાબર બહારવટીયાની પાછળ જઈને બે જુવાન પઠાણોએ વાલાને માથે ગોળી છોડી. બેહોશ થઈને વાલો પડી ગયો. વાલાના સાથી વાગડ વાળા જુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો.

“વાઢી લ્યો વાલાનું માથું. ” જુમે હુકમ કર્યો.

“ના, એ નહિ બને, કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય.” એમ બેાલીને વાલાનો ભાઈ પરબત મેાવર આડો પડ્યો.

ત્યાં તો બેશુદ્ધિમાંથી વાલો બેઠો થયો. પોતાના ઉપર ગોળી છોડનાર બે જુવાન પઠાણોને પોતે ખેાપરી ઉપર ગાળી લગાવીને માથાં ફાડી નાખ્યાં. સાંજ સુધી ધીંગાણું કરીને વાર વહી ગઈ. એટલે પછી વાલાએ જુમા ગંડને કહ્યું,

“જુમલા, તારે મારૂં માથું વાઢવું'તું, ખરૂં ને ? હવે. તારે ને મારે અંજળ ખુટી ગયાં, માટે ચાલ્યો જા બેલી. ”

જુમો ગંડ ત્યાંથી જુદો પડ્યો.

એ ધીંગાણામાં વાલાને પણ ખભા ઉપર પઠાણની ગોળી વાગી, અને બહારવટીયા નાસી છૂટ્યા. પોતાના આશરાના સ્થાનમાં જઈને વાલાએ સાથીને કહ્યું.