આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૨૧
 

રીડીયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો.

હાથમાં પોલિસોના હથીઆર સોતા, અને પગમાં બેડીઓ છે છતાં, બહારવટીયા મહીસાગરનાં વાંસજાળ પાણીને અંધારામાં વીંધવા લાગ્યા. ચુપચાપ માછલાંની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા. છ જણાએ પોતાના પગ પત્થર પર રાખી, હાથ વડે પત્થર મારીને પોતાની બેડીઓ તોડી નાંખી. પણ મામદ જામનો પગ સોઝી ગયેા હતો. એની બેડીઓ ચપોચપ થઈ જવાથી ન તૂટી. તેમજ બેડી તૂટ્યા સિવાય એનાથી ચલાય તેવું પણ ન રહ્યું. એણે છયે સાથીઓને કહ્યું,

“બેલીઓ, તમે ભાગવા માંડો. હમણાં વારૂં છુટી જાણજો. ”

“તમને છોડીને તો અમે નહિ જાયીં, મામદ જામ.”

“તમે હુજ્જત કરો મા ભાઈ ! હું જીવીશ તો નક્કી આવીશ. પણ તમે બધા નાહકના શીદ ભીંત હેઠળ કચરાઇ મરો છો ? ”

છયે જણા રોઈ પડ્યા. નહોતા જતા. મામદ જામે આકરા કસમ આપી રવાના કર્યા અને પોતે પાછો મહીસાગરમાં પડ્યો.

ઉભે કાંઠે તરતો તરતો, કાંઠાને ઝાલી ઝાલી ત્રણ ચાર ગાઉ આઘે નીકળી ગયો.

બહાર આવીને એક પત્થર લીધો. પેાતાની પાસે પોલિસ જમાદારની ઝુંટાવેલી કીરીચ હતી તેના બે કટકા કર્યા. એક કટકાથી બીજા કટકાની ધાર ઉપર કરવત જેવા આંકા કર્યા.

એવી રીતના કરવત વતી પોતાની બેડી ઘસી ઘસીને કાપી. હવે એના પગ મોકળા થયા.

ભાગ્યો. એક જ દિવસમાં સાઠ ગાઉની મઝલ કરી ! મારવાડની સીમમાં ભાગ્યો જાય છે. વેશ તો કેદીનો જ છે.

મારવાડના જાટ લોકો ઢોર ચારે છે. એણે આ ભાગતા જવાનને ભાળ્યો. “એલા કો'ક કેદી ભાગે !”