આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સોરઠી બહારવટીયા
 


મામદ જામને પકડી લઈ મુખીને સોંપ્યો. મુખીએ દયા બતાવી. ખરચી માટે રૂપીઆ દીધા. કહ્યું કે “માંડ ભાગવા.”

વડોદરાના થડમાં નવું પરૂં ગામ છે: ત્યાં મામદ જામ આવ્યો. અમદાવાદની જેલમાં ઉમરખાન નામનો નાયક પોતાનો ભાઈબંધ હતો, એની બહેનને ઘેર ગયો.

રોટલો ખાય છે ત્યાં ઉમરખાનનો બનેવી આવી પહોંચ્યો. એાળખ્યો. ઘોડાની સરકથી મામદ જામને ઝકડ્યો, લઈને હાલ્યો વડોદરે સોંપવા.

માર્ગે ઉમરખાં મળ્યો. સાળો બનેવી લડ્યા. ઉમરખાંએ બનેવીને ઠાર માર્યો. “મામદ જામ ! આલે આ તમંચો, આ ઘોડો ને આ રૂપીઆ પાંચ. ભાગી છૂટ. તારા તકદીરમાં હોય તે ખરૂં. પણ અટાણે તો તને અલ્લાએ ઉગાર્યો છે. ”

“ઉમરખાં ? થોડીક ભાઈબંધી સાટુ થઈને સગી બ્હેનનો ચૂડો ભાંગ્યો ! ધન્ય છે તને ભાઈ !” એટલું કહીને મામદ જામ ચાલ્યો. ઘોડો વડોદરાની ગુજરીમાં વેચ્યો. ગાડીમાં બેસીને વઢવાણ ઉતર્યો. અમરસંગ દરબારના વાવડી ગામે આવ્યો. ને હવે તો પોતે સાંઈને વેશે છે.

દરબાર ઘેરે નહિ. ડેલીએ સિપાઈ બેસે છે એણે એાળખ્યો. સિપાઈએ ગઢની ગોલીને રાખેલી. તેના કાનમાં જઈને કહ્યું, “ઉના રોટલા અને શાક કર. પણ ધીરે ધીરે હો. ઉતાવળ કરીશમાં.”

“કાં?”

“કાં શું ? જેના માથા સાટે રૂ. ત્રણ હજારનું ઈનામ નીકળ્યું છે, એ હાથમાં આવ્યો છે. આજ આપણ બેયનું દાળદર ભુકકા !"

“ઠીક, ફીકર નહિ. ”

“સાંઈ મૌલા ! બેસજો હો, રોટલા થાય છે.”

એટલું કહીને સિપાઈ થાણામાં ગયો. અને પાછળથી એની રખાત ગોલી ડેલીએ આવી. હોઠ ફફડાવીને બોલી,