આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સોરઠી બહારવટીયા
 


એક, બે, ત્રણ, ચાર, એમ દસ ભાલાવાળા સવારો ટપોટપ ગોળી ખાઈને જખમી થયા. એટલે ભાલાવાળાoના ગોરા સેનાપતિએ “રીટાયર”નું બીંગલ વગાડ્યું.

“રીટાયર”નું બીંગલ સાંભળતાં તો મકાઈ સાહેબ લાલચોળ થઈ ગયો. ઘોડા માથે ટોપી પછાડવા મંડ્યો. ડોળા ફાડીને ભાલાવાળી ટુકડીના ગોરા સરદારને ધમકી દેવા લાગ્યા “ડેમ ! ફુલ!”

“બસ કરો ! અમારૂં કામ બહારવટીયા પકડવાનું નથી મુલક જીતવાનું છે.” એમ બેાલીને ભાલાવાળાએ પોતાની ફોજને અલાયદી તારવી લીધી.

ત્યાં તો વાલા મોવરે ઝીંકીયાળીમાંથી જે નવ વેંત લાંબી ઝંઝાળ હાથ કરી હતી, તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પત્થર સાથે બાંધીને જામગ્રી ચાંપી. દાગતાં તો ઘોર અવાજ કરતી ગલોલી વછૂટી. સામી ફોજ પડી હતી ત્યાંથી અરધો માઈલ આગળ જઈને ગલોલીએ ગાડું એક ધૂળ ઉડાડી. ફોજ સમજી કે ડુંગરમાં દારૂગોળો મેાટા જથ્થામાં છે, ને જણ પણ ઝાઝા લાગે છે

સાંજ સુધી ધીંગાણું ચાલ્યું. સાંજે સૂરજ આથમવા ટાણે ફોજ પાછી વળી, અને ડુંગરમાંથી અવાજ ગાજ્યો કે “વાલીયા ઠુંઠાની જે !”

“અને સરકારની.....”એમ કહી એક બહારવટીઓ બોલવા ગયો.

“ખબરદાર ! નીકર જબાન કાપી નાખીશ.” વાલાએ સાવઝના જેવી ડણક દીધી. બોલનારાને ધરતીમાં સમાવા જેવું થઈ પડ્યું.

“જુવાનો ! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો હો, નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બારવટાં કદિ નભાવ્યાં નથી.”

એવી રીતે વાલાએ સાથીઓને શીખામણ દીધી. વારે વારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો.