આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
સોરઠી બહારવટીયા
 

હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપડ્યો છે, એમ તરબુચ જેવું માથુ સોત ઉપાડી લઈશ.”

વાલાની ઓરત મરી ગઈ છે. પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીડા પોત પોતાની પરણેતરોને મળવા વારે વારે જાય આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું રહ્યું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઉંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસ્બી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું :

“વાલા, હવે તો તારા નીકા કરીએ.”

“કોની સંગાથે બેલી ?” વાલાએ પૂછ્યું.

“કારજડાના વીરમ મીયાણાની ડીકરી વાછઈ સંગાથે. એ પણ ઘરભંગ થઈ છે,”

“તમે એ બાઈની સાથે વાત કરી છે ?”

“ના.”

“મ બોલો ! અરરર, બેલી, તો પછી મ બેાલો. કહીને વાલે જીભ કચરી."

"કાં ?"

“તો પછી કેમ આવું બોલીને પાપમાં પડો છો ને મને ય પાપમાં પાડો છો ?”

“પણ એમાં પાપ તે વળી શેનું ?”

“અરે ભા, ઈ બાઈના મનમાં જો કદિ એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો ? તો હું ખુદાનો ગુન્હેગાર થાઉં કે નહિ ? હવે પછી આવી નાપાક વાત કરશો મા, ભાઈ !”