આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૩૫
 

લાડવા આજ મીયાણાઓને પિરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગોર્ડનને ખબર દેવા પહોંચ્યો.

વાલાને તો ખભામાં જખ્મ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા અરધો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તૂર્ત વાલાનો ભાઈ પરબત ઉભો થઈને બોલ્યો,

“વાલા ! આપણને નક્કી ઝેર ખવરાવ્યું ! અને આપણે ભીંત હેઠળ ભીંસાઇ મુઆ.”

“ઝેર ! નક્કી ઝેર છે, કમજાત પેથો ! ” બીજો બોલ્યો.

“બસ બેલી ! હવે મોતની સજાઈ વખતે બુરૂં વેણ ન હોય. હવે માંડો ભાગવા. અને બોદલા ! તારાં કાળાં કામોનાં ખુદાઈ હિસાબ ચૂકવાય છે !”

એમ બોલીને વાલો આગળ થયો. બધા ભાગવા લાગ્યા. પણ બીજા તમામને ઝેર ચડવા માંડ્યું. આંખે લીલાં પીળાં આવવા લાગ્યાં.

“યા અલ્લા !” કરીને કચ્છવાળો દાદલો ડાભી જમીન પર પટકાઈ ગયો. વાલાએ કહ્યું કે

“બેલી, આંહી આની લાશને કૂતરાં ચૂંથશે. એને પડતો મેલીને ચાલ્યા જાશું તો દુનિયા આપણી દોસ્તીને ફિટકાર દેશે. માટે એને તો ઉપાડી લેવા સિવાય આંહીથી ખસવાનું જ નથી.”

દાદલાની લોથને ઉપાડીને બહારવટીયા લથડતે પગે ચાલતા થયા. પહોંચ્યા કરાડીયાની પાણાખાણમાં. ફરીવાર વાલાએ હુકમ કર્યો કે

“હવે આપણો નેજો આંહી મેલી દ્યો બેલી. ”

ત્યાં જ વાવટો મેલીને ઉગમણે પડખે રણમાં મોરચો કરી લડવા બેઠા.