આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સોરઠી બહારવટીયા
 

બળબળતે બપોરે એજન્સીની ટુકડી લઈ ગોર્ડન ગોરો, આવી પહોંચ્યો, અને સામેથી વાલાએ હાકોટો દીધો કે

“હે દગલબાજો ! ઝેર ખવરાવીને માટી થવા આવ્યા ! પણ હવે તો ચૂડીયું પહેરી હોય તો જ આઘા ઉભા રે'જો. ને જો દાઢીમૂછના ધણી હો તો સામે પગલે હાલ્યા આવજો !”

ઘોડા ઉપર ધોમઝાળ થઈ રહેલા ગોર્ડને ટુકડીના માણસોને કહ્યું.

“જેને પોતાનાં બાયડી છોકરાં વ્હાલાં હોય એ ઘર તરફ વળી જાજો ભાઈ ! જેને જાન દેવો હોય એજ ઉભા રહેજો!”

સાહેબનું વચન સાંભળતા સાંભળતા તમામ સિપાહીઓ છાતી કાઢીને ચુપચાપ ઉભા રહ્યા. નીમકહલાલી અને નોકની સાંકળો સહુના પગમાં પડી ગઈ. સરકાર પાળે યા ન પાળે, આપણાં બાળબચ્ચાંને પાળનારો પરવરદિગાર તો બેઠો જ છે ને ! એવું વિચારીને સિપાહીઓ નીમકના ખેલ ખેલવા ઉભા રહ્યા. એક પણ માણસ ન તર્યો.

તૂર્ત સામેથી તાશેરો થયો. “ઓ વાલા ! હમકું મારો ! હમકું ગોલી મારો.” એવી હાકલ કરતાં કરતાં ગોર્ડન સાહેબે પોતાના ઘોડાને બહારવટીયા સામે દોટાવી મૂક્યો. પોતે ઘોડાની પીઠ પર લાંબા થઈને સૂઈ ગયા, પણ એટલામાં તો ઘોડો ચમકીને જરીક આડો થઇ ગયો અને સામેથી વાલાના ઠુંઠા હાથ પરની બંદૂક વછૂટી. નાળ્યમાંથી સુસવાટા કરતી ગોળી ઘોડાની કેશવાળીમાં થઈને બરાબર સાહેબના કાંધમાં ચેાંટી અને સાહેબ પટકાયો. જખ્મી થયેલો બહાદૂર અને ટેકીલો સાહેબ પાછો ઉભો થઈને કીરીચ ખેંચી પગપાળો સામો દોડ્યો. પણ છેક પાણાખાણ સુધી પહોંચે તે પહેલાં તે ધડ ! ધડ ! બીજી બે ગોળી ચેાંટી ને સાહેબ પડ્યો.

તેટલામાં તો બહારવટીયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું અને વગર માર્યા જ તે બધાના પ્રાણ છૂટી ગયા હતા.