આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
 

રાત બધી ડાંડીયા રાસ રમ્યા.ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા, ત્યાં જુનાગઢની વારનાં ભાલાં ઝબકયાં. તૈયબ ગામેતીએ કહ્યું,

“ભીમા મલેક ! તમારે વાંકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રઝળાવશે. હવે શું કરવું ? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે.”

“મારો વાંક હોય તો તમે 'કહો તેમ કરૂં, તૈયબ ગામેતી.”

“ત્યારે તમે ઉભા રહીને વારને ઠોઈ રાખો, ત્યાં હું માલનો ઉવાડ કરી નાખું.”

ભોળે ભીમડે કહ્યું “ભલે !”

ઘરેણે લૂગડે લાદેલ સાંઢીયા અને ઘોડા હાંકીને તૈયબ રોઘડે આવ્યો. રોધડામાં માલ સંતાડી પોતે જુનાગઢમાં બેસી ગયો, અને નવાબના કાનમાં વાત ફુંકી દીધી કે “દોણ ગામ તો ભીમડે ભાંગ્યું છે.”

આ બાજુ ભીમો જુનાગઢની વાર સામે ધીંગાણાં કરતો કરતો, તૈયબને સારી પેઠે ભાગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે. આગળ પોતે છે, ને પાછળ જુનાગઢની ફોજ છે. એમ કરતાં ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા, અને બન્ને ફોજની ભેટંભેટા થઈ ગઈ.

“ભીમાભાઈ !” નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માગી, “આજ હવે મારો વારો છે.”

એમ બોલીને ત્રણસો જુનાગઢીયા જોદ્ધાની સામે પોતે એકલો ઉતર્યો, ને પંદર શત્રુઓને ઠાર કરી પોતે મરાયો.

મીં ગજે ન કેસરી મરે
૨ણમેં ધંધુકે ૨ત
હસન મલેક પડકારે મરે
જાઓ ચોજાં જત