આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
૧૫
 


“પાનેલીના પટેલની પાસે હું ગયો'તો બાપુ, અને એણે જ મને કહ્યું કે તારા ભીમા કાકાની પાસે જા ! એ બ્રાહ્મણ બાવાને બહુ આપે છે !”

“એમ...? એવડું બધું કહી નાખ્યું ?” એટલું બોલીને ભીમે કહ્યું, “અબુમીયાં ! કાગળ લાવજો. અને એમાં આટલું જ લખો કે,

“પાનેલીના પટેલ, તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂા. ૧૦૦૦ અમે દીધા છે, ને બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત તમે ચુકવી દેજો. નીકર અમે આજથી ત્રીજે દિ' પાનેલી ભાંગશુ.”

લી. ભીમા મલેક


ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી. “લ્યો મા'રાજ, પટેલને દેજો, ને રૂપીઆ ન આપે તો મને ખબર કરજો.”

“સારૂં, બાપુ !” કહીને બ્રાહ્મણ આશીર્વાદ - દઈને ઉપડ્યો.

“ઉભા રેા' મહારાજ !”

બ્રાહ્મણને પાછા બોલાવીને ભલામણ દીધી, “તમારી ડીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નીમી છે ?”

“બાપુ, માગશર શુદ પાંચમ.”

બ્રાહ્મણ તો ચાલ્યો ગયો. અને ભીમાએ પણ ગોંડળની ધરતી ઉપર ઘોડાં ફેરવવા માંડ્યાં. ઉજ્જડ થયેલા નદીના કિનારા ઉપર એક વાર ભીમાએ એક જુવાન જોધ સંધીને વડલાને છાંયડે મીઠી નીંદરમાં સુતેલો દીઠો. નિર્દોષ, મધુર અને નમણી એ મુખમુદ્રા નિરાંતે ઝંપી ગઈ છેઃ જેને જગાડતાં પણ પાપ લાગે એવો રૂડો એ નૌજવાન છે. પાસે સંધીના વાછડા ચરી રહ્યા છે. ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો. ઘોડે બેઠાં બેઠાં ભાલાની અણી અડકાડી, ઉંઘતા જુવાનને ઉઠાડ્યો:

“ઉઠ એ ભા !”