આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૩૩
 


“બાવાવાળા, સાહેબને પકડીને તો તેં સાપ બાંડો કર્યો છે.”

“હોય બા, થાતાં થઈ ગયું.”

“આપા બાવાવાળા, આખી કાઠીઆવાડને ધમરોળી નાખત તો ય કોઈની ભે' નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગેારા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડુલ કરી નાંખ, ઇ જાણછ ને ?”

"જાણ છું."

“અને આ ગરને ઝાડવે ઝાડવે ગોરો ચોકી કરવા આવશે, હા ?"

"હો !"

“બાવાવાળા, જોછ ને ? સાહેબને ઝાલ્યા પછી આજસુધી આપણાં ઘોડાનાં પાખર નથી ઉતર્યાં કે નથી આપણાં બખતર ઉતર્યા. નથી એકેય રાત નીંદર કરી. હવે તો ડીલના કટકા થઈ ગયાં છે. અને આ માંદાને ઉપાડવો પડે છે.”

“ત્યારે હવે તો શું કરવું ભાઈ ભોજા !”

“બીજુ શું ? એનું ટુંકું કરી નાખીએ.”

સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. એનાં અંત૨માં ઇસુનું નામ બોલાવા લાગ્યું.

બાવાવાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે'વાય. સાહેબને માર્યા ભેળી તે આખી વલ્યાત આંહી ઉતરી સમજજો. અને જીવતે રાખશું તે કો'ક દિ વષ્ટિ કરીને સરકા૨ આપણું બારવટુ પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ યે મરાય નહિ. તેમ ખાનદાનીની રીતે ય જો એનું રૂંવાડું ખાંડું કરીએ, તો સાત જન્મારાની ખેાટ્ય ખાઈ બેસશું. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.“