આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સોરઠી બહારવટીયા
 


બાવાવાળાના દેહમાં જુવાનીનાં તેજ કિરણો કાઢી રહ્યાં છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પણ પોતે બહારવટના પંથે ઉભો છે. અને આપા દાનાનું દીધેલ માદળીયું બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલાં બિરદ માથે લઈ ફરનાર પુરૂષની નાડી લગરીકે એબ ખમે નહિ આ તરીકે બારવટીયો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલ છે, પણ કાઠીઆણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે.* [૧]

“ભણેં માત્રા !” ભોજા માંગાણીએ વાત છોડી, “ધમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે ખબર છે ને ?”

“હા ભોજા, અઠાવીસ વરસની.”

“દીવો એાલવાતાં કાંઈ વાર લાગશે ?”

“ના. અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરાં થાશે.”

“પછી એના વંશમાં તો અંધારૂ થઈ જાશે ને ?”

“તો તો મહા પ્રાછત લાગ્યું લેખાય.”

“તો પછી આઇને ચલાળે ન બેસારી રખાય.”

માત્રો સમજી ગયો. બાવાવાળાને પૂછશું તો ના પાડશે, એમ માનીને છાનોમાનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાટ્યો ચડ્યા પહેલાં તો 'આઈ'ને લઈને અસવાર જમીના ધડા ભેળા થઈ ગયો.


  1. *એમ પણ કહેવાય છે કે કાઠીઆણી પોતાને પીયર ખડકાળા ગામેજરહેતાં. એક વાર રાતે બાવાવાળાએ ખડકાળા ગામને પાદર મુકામ નાખીનેબાઇને તેડાવેલાં. બાઈએ જવાબ વાળેલો કે “દરબારને કહેજો કે મારાથીન અવાય. અમે અસ્ત્રીની જાત તો લીલો સાંઠો કહેવાઈએ. વખત છે નેદૈવનો કોપ થાય,તો દુનિયા વાતું કરશે કે ધણી તે બિચારો પથરાનાંએાશીકાં કરીને બારવટાં ખેડે છે, અને બાયડી ઘેરે છોકરાં જણે છે !આવું થાય તો મારે અફીણ ઘોળવું પડે. માટે દરબારને કહેજો કે ઉઘાડેછોગ તેડાવીને ભેળી રાખવી હોય તો જ તેડાવજો !