આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૩૭
 


રાત પડી. અધરાતે દાયરો વીંખાયો. સહુની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવાવાળાએ પૂછ્યું, “મારી ૫થારી કયાં ?”

“આજની તમારી પથારી ઓરડે છે, બાવાવાળા ! ”

બાવાવાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલેળા ચડશે, એમ સહુના અંતરમાં આશા હતી. કાઠીઆણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વરસે મળવાનાં છે, એવા કોડથી જીમી ને મલીરની નવી નકોર સુગંધ દેતી જોડ્ય ધારણ કરીને ઝમરખ દીવડે પોતાના સાવઝશૂરા કંથની વાટ જોવે છે. પતિરાજના પોરસ થાકી ફુલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટું ! તૂટું ! થાય છે.

દાયરામાંથી ઉઠીને અધરાતે બાવોવાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠી ભાળતાં જ એને અચંબો ઉપડ્યો.

“તું ક્યાંથી ?” જરા ય મ્હોં મલકાવ્યા વગર પૂછ્યું.

“તમારી તેડાવી !” ભોળુડી સ્ત્રી હજુ હસે છે.

“મેં તેડાવેલી ? ના ! કોની સાથે આવી ?”

“તમારા કાઠી સાથે.”

ત્યાં તો બાવાવાળાનાં રૂવાડાં બેઠાં થઈ ગયાં. એની આંખોમાં દેવતા મેલાણો. “તું મારી અસ્ત્રી ! પર પુરૂષ સાથે હાલી આવી ? બહુ અધીરાઈ હતી ?”

“દરબાર, અધીરાઈ ન્હોય ? ધણીને મળવાની અધીરાઈ ન હોય ? મેં શું પાપ કર્યું ?”

“બાવા વાળાની જીભે માઝા મૂકી.”

“કાઠી ! કાઠી !” આઈની કાયા કાંપવા મંડી, “બસ કરી જાઓ. આ શું બોલો છે ? સાવઝ તરણાં ચાવે છે ? દરબાર ! આટલો બધો વહેમ ! ઇ તો તમારીયું......”