આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સોરઠી બહારવટીયા
 


ઝબ ! દેતી બાવાવાળાએ તરવાર ખેંચી.

“ઓહોહો ! દાતરડાની બ્હીક દેખાડો છો ? આ લ્યો."

એમ કહેતી કાઠીઅાણી ગરદન ઝુકાવીને ઉભી રહી. દયાવિહોણા બારવટીયાએ અબળાની ગરદન પર ઝાટકા ચોંટાડ્યા. જે ગળામાં પિયુજીની મીઠી ભૂજા પડવાની હતી, ત્યાં તરવાર પડી અને ઘડી બે ઘડીમાં તો એનો જીવ જાતો રહ્યો. અત્યારે એ બાઈની ચુંદડી ને એનો મોડીયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે.


બાવા વાળાથી થાતાં તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઉતરી, કાઠીઆણીનું નિર્દોષ મ્હોં એની નજરમાં રમવા માંડ્યું, અને એને પસ્તાવો ઉપડ્યો. અંતરમાં ઝાળો ઉઠી. ક્યાં યે ઝંપ નથી વળતો. આંખે અખંડ આંસૂડાં ઝરે છે. એણે બોલવું ચાલવું પણ બંધ કરી નાખ્યું છે.

“બાવાવાળા !” પોતાના સાથીઓ સમજાવવા લાગ્યા, “હવે પછી ચીંથરાં શું ફાડછ ? એારતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ્ય. પણ માણસ કાં મટી જા ?”

તો યે બાવાવાળાને શાંતિ વળી નહિ, છાનોમાનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈ ઉભો રહ્યો. તરવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારાં આંસુડાં ચાલ્યા જાય છે. અને સ્ત્રીહત્યાના પાપનો પોતે વિલાપ કરે છે તે વખતે નાગ૨વ ગીયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચીંતી તરવાર ઝુંટવી લીધી.

“નાગરવ ભા ! મને મરવા દે.” બાવાવાળાએ તરવાર પાછી માગી.

“બાવાવાળા ! બે ય કાં બગાડ્ય ? પેટ તરવાર નાખ્યે અસ્ત્રી હત્યા ઉતરશે એમ માનછ ? મરીને ભૂત સરજીશ, બાવા વાળા ! અને શાંતિનો છાંટો ય નહિ જડે. માટે આદર્યાં કામ પૂરાં કર, અને સંસારમાં રહીને પાપ ભસ્મ થાય એવી પ્રભુ- ભક્તિ કર.”