આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવો વાળો
૪૫
 


“કાળો કામો કરીને આવછને ભાઇ ! ”

બાવાવાળો ચુપ જ રહ્યો.

“બાવાવાળા ! બીજું તો શું કરૂં ? તારૂં અન્ન મારી દાઢમાં છે. તારી થાળીમાંથી ઘણા દિ' રોટલાનાં બટકાં ભાંગ્યાં છે. પણ હવે રામ રામ ! આપણાં અંજળ ખુટી ગયાં.”

જેઠસૂરના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા. અને બાવોવાળો ભોજા માંગાણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજે એની દશા પલટાતી હતી. એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગાણીએ પાસેના ખેતરમાં એક બેહાલ અાદમી સામે અાંગળી ચીંધીને પૂછ્યું,

“આપા બાવાવાળા, ઓલ્યો સાંતી હાંકે ઈ કોણ છે, એાળખ્યો ?”

“કોણ છે ભોજા ?”

“ ઈ હરસુરવાળો પોતે : તારાં ચોરાશી પાદરનો ગઈ કાલનો ધણી.”

“એટલે તારૂં કહેવું શું છે ભેાજા ?”

“બાવાવાળા ! દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી ? સાવઝને શું તરણા ખાતો કરાય ?”

“ત્યારે શું શત્રુના પગ ધોઈને પીવાતા હશે ?

“બાવાવાળા, એને વધુ નહિ, એક જ ગામડી દે. પણ આ હરસુરવાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું.”

“ભોજા ! જમીન ચાકડે નથી ઉતરથી, જાણછ ને ?”