આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સોરઠી બહારવટીયા
 

“તો પછી બાવા વાળા ! ભોજો ય ચાકડે નથી ઉતરતો, ઈ યે તુ જાણછ ને ?”

“એટલે ભોજા !” બાવા વાળો તિરસ્કારથી હસ્યો. “બહુ દાઝતું હોય તો એને ચોરાશી યે ચોરાશી પાદર પાછાં અપાવજે !”

“બાવાવાળા ! તારા મ્હોંમાં અવળાં વેણ ન શોભે. બાકી તો તું જાણછ ને ? વિકમા ગયા, શેખવા ગયા, જેઠસૂરે તને છોડ્યો – એમ પછી પીછડા વિનાનો મોર રૂડો લાગશે ?”

“મોર હશે તો નવાં હજાર પીછડાં આવશે.”

“પછી ઓરતો નહિ થાય ને ?

“ના ના, આ લે, એક બરછી બાંધછ, ને આ બીજી પણ ભેળી બાંધજે.”

“ત્યારે હવે રામરામ બા. શેલણા ને વીસાવદરનાં ને એક સો ને અડસઠ પાદરના ધણી ! જાગતો રે'જે !” એટલું કહીને ભેાજો માંગાણી પોતાનાં ઘોડાં તારવી પાછો વળ્યો. સીધેસીધો ખેતરમાં સાંતી હાલતું હતું ત્યાં ઘોડી હાંકી જઈને પડકારો કર્યો કે

“આપા હરસૂરવાળા ! મેલી દે સાંતી. ઠાકર તારાં ચોરાસી યે ચેારસી તને પાછાં આપશે.”

“ભોજા માંગાણી ! આ બે સાંતીની જમીન રહી છે એય નથી સહેવાતી કે શું ? આભને ઓળે રહીને મારાં બે છોરૂડાં ઉઝેરૂં છું. એટલું યે તારી આંખમાં ખટકે છે કે ભાઇ !” બોલતાં બોલતાં હરસૂરવાળાની પાંપણો પલળતી લાગી.

હેઠો ઉતરીને ભેજાએ પોતાની તરવાર હરસૂરવાળાના હાથમાં દીધી, અને બોલ્યો, “આપા હરસૂર ! આજથી તું મારો ઠાકર ને હું તારો ચાકર. ઉઠ. નીકળ બારવટે.”