આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવો વાળો
૪૭
 


વિસાવદર ગામમમાં સોપો પડી ગયો છે. જળ ઝંપી ગયાં હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવાવાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવી લઈને સુવાની તૈયારી કરે છે. આજ ત્રણ દિવસથી એની સવાર-સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થાતી નથી. એ ચિન્તામાં બારવટીયો ઉંઘ વિના પથારીમાં આળોટે છે. તેટલામાં તો, પોતે જેને બહેન કહી હતી એ કણબણ આવીને ઉભી રહી.

“બાપુ, જાગો છો ?”

“કાં બહેન, અટાણે કેમ આવવું પડ્યું !”

“બાપુ, મને વ્હેમ પડ્યો છે.”

“શેનો ?”

“ભોજો માંગણી આવ્યો લાગે છે.”

“ક્યાં ?”

“ધ્રાફડના વોંકળામાં. એકલો નથી. ઘણીયું જામગ્રીયું તબકતી જોઈ.”

“ઠીક, જા બ્હેન, ફિકર નહિ.”

કણબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગડ બેઠેલા, એમાંથી લોમે ફળીમાં આવી પૂછ્યું કે “ભણેં બાવાવાળા ! તાળી બેન આવુને કાણું ભણુ ગઇ ?”

“આપા લોમા !” બાવાવાળાએ અંદરથી અવાજ દીધો, “ભોજાનું કટક ધ્રાફડના નાળામાં હોય એમ લાગે છે. માટે ચેતતા રહેજો.”

“ઇં છે ? તવ્ય તો ભણેં હવે ડેલીના કમાડ ઉઘાડાં ફટાક મેલુ દ્યો. ભાઈ ભોજાને વળી પાછાં કમાડ ભભડાવવાં પડશે.”