આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સોરઠી બહારવટીયા
 


બીજી વાત એમ કહેવાય છે કે આયડુએ ખુટીને આજે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી.

ડેલીનો દરવાજો આખે આખો ખુલ્લો મૂક્યો. માયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથીઆર ૫ડીઆર લઈને સુતા. સહુને મન તો ભેાજો માંગાણી આવ્યાની વાત પર જ ભરોસો નથી એટલે ઝોલાં ખાવા મંડ્યા. પણ માત્રો વેગડ (બાવા વાળાની ફુઈનો દીકરો) પૂરેપૂરો વ્હેમાઈ ગયેા હતેા. એ બેઠો બેઠો સહુનાં મ્હોં પર પાણી છાંટે છે સહુને સમજાવે છે કે “ભાઈ, આજની રાત ઉઘવું રે'વા દ્યો !”

વારે વારે પાણી છંટાવાથી લોમો ધાધલ ખીજાઈ ગયો “એલા માત્રા ! ભણેં તેં ચૂડલીયું પહેરી છે ? માળ આવડો બધો બ્હીકાળવો ?”

“આ લ્યો ત્યારે: હવે જે કોઈ પાણી નાખે, કે એક બીજાને જગાડે, એ બે બાપનો હોય.”

એટલું બોલી માત્રો વેગડ માથા સુધી સોડ્ય તાણીને સૂઈ ગયો. થોડીક વારમાં તો આખી મંડળીને ઘારણ વળી ગયું.

અધરાત ભાંગ્યા પછી ધ્રાફડનું નાળું શત્રુઓની જામગ્રીઓ પેટાતાં જાણે સળગી ઉઠ્યું. જેતો લાલુ બોલ્યો,

“ભોજા માંગાણી ! પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ જો જાગતા હશે તો અમે કહેશું કે મે'માન દાખલ આવ્ય છીએ ! ને ઉંઘતા હશે તો સહુને બોલાવી લેશું.”

ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડી ફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નાખોરાં બોલે છે. થયા સહુ ભેળા. સુતેલા શત્રુને માથે તરવારોની પ્રાછટ બોલવા માંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઉઠ્યા. ડેલીનું કમાડ ઉધાડુ મૂકાવનારો અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. [પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાકેલી.]