આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સોરઠી બહારવટીયા
 

"ભોજા કાળમુખા ! હવે તો તેં તારો કામો કરી લીધો છે. હવે તમે સહુ રસ્તે પડો બાપ !”

“ના ફુઈ, અમે કાઠી છીએ, માત્રાને અને બાવાવાળાને દૈન દીધા પહેલાં નહિ જઈએ.”

“ખબરદાર, મારા બાવાના શબને કોઈ અડશો મા.”

“તો આ લ્યો, આ અમે આઘા બેઠા.”

મોણીએથી ચારણોને બોલાવી બાવાવાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનારા પણ મસાણે જઈને આભડ્યા.

એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળીયું ઢાંકીને મરશીયા ગાયાઃ-

વીસાણાની વાડીએ ઠાઠ કચારી થાય
વેરાણા બાવલ વન્યા ધરતી ખાવા ધાય.

[વિસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠ માઠ જામતા, પરંતુ હવે તો બાવાવાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઉડી ગયા છે, ધરતી ખાવા ધાય છે.]

મત્યહીણા તેં મારીયો છાની કીધલ ચૂક
ત્રૂટું ગરવાનું ટૂંક બારવટીયા તું બાવલો.

[અરે મતિહીન માનવી ! તે છાનામાનાં આવીને બાવાવાળાને માર્યો ! એ મરતાં તો જાણે ગિરનારનું એક શિખર તૂટી પડ્યું હોય એવું દુ:ખ થાય છે.]