આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૫૩
 

કેપ્ટન ગ્રાંટે પોતાના હાથનું લખેલું વૃત્તાંત:-

હિંદુસ્થાન અને અરબસ્તાનના ચાંચીઆ લોકો જે કાઠીઆવાડ અને કચ્છના કિનારા ઉપર ઉપદ્રવ કરતા હતા તેને દાબી દેવા માટે સે. ખા. ખે. ગાયકવાડ સરકારે દરિયાઈ લશ્કર સ્થાપ્યું હતું, એનું આધિપત્ય ધારણ કરવાને વડોદરાના - રેસીડેન્ટ કેપ્ટન કારનોકની માગણી ઉપરથી મુંબાઇ સરકારે ઇ, સ, ૧૮૧૩માં મને નીમ્યો. અમે કેટલાકને પકડી મારી નાખ્યા. અને ઇ. સ. ૧૭૨૦માં તેઓ એટલા તો નિર્બળ થઈ ગયા કે ગાયકવાડને આ ખાતું નહિ રાખવાની જરૂર જણાયાથી તેણે કાઢી નાખ્યું, ત્યારે મને એવો હુકમ લખી મોકલ્યો કે “તમારે વેલણ બંદર અથવા દીવ ભૂશિરનું સ્થાનિક છોડી જમીન રસ્તે અમરેલી જવું. અને ત્યાં ગાયકવાડના તથા કાઠીઆવાડના સર સુબાને તમારા વ્હાણનો ચાર્જ સોંપવો.

“રસ્તામાં મારા ઉપર એક કાઠી બહારવટીયો, નામે બાવાવાળો, તેણે પાંત્રીસ ઘોડેસવારો સાથે હુમલો કર્યો. મારા ખાસદારને જીવથી માર્યો. મારી પાસે ફક્ત કુમચી હતી, તેથી હું પોતે સામે થઇ શક્યો નહિ. પ્રથમ જ્યારે અમારે ભેટભેટા થયા ત્યારે બાવાવાળાએ મને કહ્યું કે “મારા કામમાં તમારી સલાહ લેવાની છે.” આ બહાનું બતાવીને તેણે મને ઘોડેથી ઉતરાવ્યો. મારા માણસોને પરાધીન કર્યા, એટલે મને ઘોડા ઉપર બેસીને તેની ટોળી સાથે જવાની જરૂર પડી. તેઓ મને ગિર નામના મોટા જંગલમાં લઈ ગયા, જ્યાં તેએાએ મને બે માસ અને સત્તર દિવસ એક પહાડની ટોચ પર કેદી કરી રાખ્યો. આ સઘળો સમય બે હથિયારબંધ માણસો મારા ઉપર નાગી તરવાર લઈને ચોકી રાખતા હતા. દિવસ રાત વરસાદથી ભીંજાયેલી ભેખડમાં હુ સૂતો તેમાં અપવાદ માત્ર બે રાત્રિ હતી. આ બે રાત્રિ અમોએ દોસ્તીવાળા ગામમાં ગુજારી. ત્યાં જવા મને તો ટોળી ફરજ પાડી લઈ ગઈ. આ ફેરામાં પ્રસંગોપાત મને ઘોડા ઉપર સવાર થવા દેતા. પણ હરવખત એક જોરાવ૨ ટોળી મને વીંટી વળતી, તેથી નાસી જવાની કાઈ પણ કોશીશ કરવી એ મારે માટે અશક્ય હતું.

“એક ગામમાં કે જે બાવાવાળાને અનુકૂલ હતું, તેમાં સ્ત્રીઓએ મારો પક્ષ ખેંચ્યો, અને મારી સાથે ઘાતકી વર્તણુક ચલાવવા માટે તેને તથા તેના માણસોને ઠપકો આપ્યો. પ્રતિકૂળ ગામડાં પ્રત્યે તે ટોળીનો એવો રિવાજ હતો કે દરવાજા સુધી ઘોડે બેસીને જવું અને નાનાં બાળક રમતાં હોય તેનાં માથાં કાપી લેવાં, અને પછી પોતાના એ શાપિત પરાક્રમ માટે હરખાતા ને હસતા ચાલ્યા જવું. દિવસનો ખૂનનો ફેરો કરી પોતાના મુકામ પર આવતા ત્યારે “મેં આટલાને માર્યા” એમ જુવાન કાઠીઓ