આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સોરઠી બહારવટીયા
 


“સામત ! સામત ! ”

પણ સામત વાળો ન માન્યો. તલવાર લઈને હનુમાન જેવો છલાંગ દેતો આવ્યો. ત્યાં તો ચાંપરાજનું આખું કટક એને વીંટાઈ વળ્યું. ફડાફડ ઝાટકા પડ્યા. “અરે હાં ! હાં ! રેવા દ્યો ! ” એમ ચાંપરાજ બેાલતો રહ્યો, ત્યાં તો સામત વાળાના રામ રમી ગયા.

“કોપ કર્યો. સામતને મારવો પડ્યો ! ” એમ બોલતાં બોલતાં ચાંપરાજ વાળાના અંતરમાં બહુ વસમું લાગ્યું. પણ ત્યાં તો ટાણુ સારી રીતે થઈ ગયું. એટલે આખું કટક અમરેલીની ફોજની બીકે ચાલી નીકળ્યું. ત્યાંથી જ પરબારો ચાંપરાજ વાળો બારવટે નીકળી ગયો.

ઘોડાના પગમાં ઘૂઘરા, સાવ સોનેરી સાજ
લાલ કસુંબલ લુગડાં, ચરખાનો, ચાંપરાજ

ગિરમાં ડેડાણ અને ખાંભાની પડખે, ડુંગરીયાળ પ્રદેશમાં એક નાનો પણ વંકો ડુંગર છે, જેનું નામ છે ભાણીઆનો ડુંગર. એ ડુંગરની એક બાજુ કેડો છે, અને ત્રણ બાજુ ગટાટોપ ઝાંખરાં ઝાડવાં જામી પડ્યાં છે. ભાગતાં ભાગતાં ચાંપરાજ વાળાએ આ ભાણીઆના ડુંગર માથે ઓથ લીધી. એક પોતે, અને નવ પોતાના પગારદાર મકરાણીઃ એટલા જણે ડુંગર માથે ચડીને મોરચા ગોઠવ્યા. થોડી વારમાં તો – ધારી અમરેલીની ગાયકવાડી ગીસ્તે આવીને ડુંગરને ઘેરી લીધો.

મકરાણીનો જમાદાર બોલ્યો “બાપુ, આ ઘાંસીઓ પાથરી દઉ છું તેના પર તમે તારે બેસી રહો, અને અમને બંધુકું ભરી ભરીને દેતા જાવ. ભડાકા તો અમે જ કરશું.”