આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
સોરઠી બહારવટીયા
 

ગોરાનું લોહી છાંટતાં તો હાહકાર વાગી ગયા. અને ડુંગર ફરતી સાતથરી ચોકીઓ મુકાઈ ગઈ. ચાંપરાજ વાળો સમજ્યો કે “આમાં જો ઝલાઉં, તો કૂતરાને મોતે મરવું પડે.”

ભૂખ્યા ને તરસ્યા બહારવટીયા ભાણીયાને ડુંગર ભરાઈ રહ્યા. એમાં એક દિવસ ડેડાણના કોટીલા કાઠીઓએ રાતમાં આવી, પછવાડે ગીચ ઝાડીમાંથી છાનો માર્ગ કરી, ચાંપરાજ વાળાને એના નવ મકરાણી સાથે ઉતારી લીધો. પછી કહ્યું કે “હવે મંડો ભાગવા, દેશ મેલી દ્યો.”

“અરે બા ! એમ ભાગવા તે કેમ માંડશું ? સહુને સૂરજ ધણીએ બબે હાથ દીધા છે.”

એટલું બોલીને ચાંપરાજે મકરાણીઓને લઈ ગાયકવાડનાં ગામડાં ઉપર ત્રાસ વર્તાવવાનું આદરી દીધું. ગામડાંની અંદર લોટા ઝોંટા કરી ગાયકવાડનાં હાંડા જેવાં રૂડાં ગામડાને ધમરોળી નાંખ્યાં. વાંસે વડોદરાની ફોજો અાંટા દેવા લાગી. પણ ચાંપરાજને કોઇ ઝાલી શકયા નહિ. ચાંપરાજ વાળાએ પણ ગામડાને ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરી “ભાઈ હવે તો ઘેંસનાં હાંડલાં ફોડી ફોડીને કાઈ ગયા છીએ. હવે તો દૂધ ગેોરસ માથે મન ધ્રોડે છે.”

“એટલે શું ચાંપરાજ વાળા ? અમરેલી ધારીને માથે મીટ મંડાય એવું નથી હો ! પલ્ટનું ઉતરી પડી છે વડોદરેથી.”

સંચોડી ગાયકવાડી જ અાંહી ઉતરી આવે તોય કાંઈ ઈ મોજ જાવા દેવાય છે ? માટે હાલો અમરેલી. દેવમુનિ જેવાં ઘોડાં રાંગમાં છે એટલે રમવાનું ઠેપ પડશે બા ?”

કેાઈ પણ રીતે ચાંપરાજ ન માન્યો. અને અમરેલીની વડી ને ઠેબી બબ્બે નદીઓનાં પાણીમાં ઘોડીઓને ઘેરવી, સમી સાંજના સૂરજને સમરી માળા ફેરવવી, ને દીવે વાટ્યું ચડતી વેળાએ ગામના કાળા કાળમીંઢ પત્થરના ગઢકિલ્લાનાં બારણાં તોડવાં, એવો મનસૂબો કર્યો.