આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૭૩
 


એમ બોલતો ચાંપરાજ વાળો ઠાણમાં ગયો ત્યાં આઘેથી પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી ધોળો ફુલ જેવો દેખાયો. પાસે જઈને જોવે ત્યાં તો એના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ.

એ પગ ન્હોતો, પણ પગના નળાનું હાડકું જ હતું. સંચોડો ડાબો જ ન મળે. અને પગના કાંડા સુધીની આખી ખેાળ જ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી !પાંચાળમાંથી રાતે નીકળતી વખતે પહાડના પત્થરની ચીરાડમાં ઘોડીનો પગ ચડી ગયો હતો અને પગ ઉપાડતાં જ, ટોપરાનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટીને છૂટો થયેલ હતો. પણ ઘોડીએ કળાવા જ દીધેલું નહિ.

“આ હા હા હા !” ચાંપરાજ વાળાને યાદ આવ્યું, “ડુંગરામાં રાતે એક વાર ઘોડીના પગનો કાંઈક અવાજ મને સંભળાણો તો ખરો અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સ્‍હેજસાજ લચકાતો આવતો હતો. પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ તો મને આવે જ શેનું ?”

પગ વગરની જે ઘોડીએ, ત્રણ પગે ચાલીને બે અસવારને ચાલીસ પચાસ ગાઉ પહોંચાડી દીધા, તેને આજ ગુડી નાખવાનો સમય આવતાં જ ચાંપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ.

ગામની બહાર લઈ જઈને ઘોડીને ઉભી રાખી. એક જ ઘાયે ફેસલો થઈ જાય તે માટે ચાંપરાજ વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચેાંટાડ્યો. પણ ડોકું પૂરેપૂરૂં ન કપાયું. વેદનાની મારી ઘોડી ભાગી નીકળી. અને ચાંપરાજ વાળાએ જાણ્યું કે “ભુંડી થઈ ! પડખે જ માણેકવાડાની એજન્સીની છાવણી પડી છે. ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી એાળખાઇ આવશે, આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેઠસૂર કૂટાઈ જશે !”

“બાપ રેશમ ! બેટા રેશમ !” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધા. અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવી ઉભી રહી, એટલે બીજ ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.