આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
સોરઠી બહારવટીયા
 

મનમાં પરનારીનો સંકલ્પ પણ જો મેં કોઈ દિ' ન કર્યો હોય, તો તે મઢમ બેનનું આડું ભાંગીને તારા છોરૂની લાજ રાખજે બાપ ! નીકર આ તરવાર પેટમાં પરોવીને હું સુઈ જઈશ.”

આટલું બોલી, પોતાની નાડી ધોઈ, ધોણનું પાણી પોતે દરોગાના હાથમાં દીધું. “લે ભાઈ, મઢમ બેનને પીવરાવી દે, ને પછી મને આંહી ખબ૨ આ૫ કે છૂટકો થાય છે કે નહિ.”

પાણી લઈને દરોગો દોડ્યો, અને ચાંપરાજે ઉઘાડી તરવાર તૈયાર રાખી સુરજના જાપ આદર્યા. કાં તો જેલમાંથી છૂટું છું ને કાં આંહી જ પ્રાણ કાઢું છું. એવો નિશ્વય કર્યો,

એક, બે, ને ત્રણ માળા ફેરવ્યા ભેળાં તો માણસ દોડતાં આવ્યાં, “ચાંપરાજ ભાઈ, મઢ્યમને છૂટકારો થઈ ગયો ! પેટપીડ મટી ગઈ ! રંગ છે તમારી દવાને”

મઢમે ચાંપરાજ વાળાને પોતાનો ભાઈ કહ્યો અને પોતાના ધણી સાથે જીકર માંડી કે “મારા ભાઈને છોડાવો.”

“અરે ગાંડી ! જન્મ-ટીપનો હુકમ એમ ન ફરે”

“ગમે તેમ કરીને વિલાયત જઈને ફેરવાવો. નીકર તમારે ને મારે રામરામ છે !”

મઢમનાં રીસામણાંએ સાહેબનાં ઘરને સ્મશાન બનાવી મૂક્યું. સાહેબે સરકારમાં લખાણ ચલાવીને મોટી લાગવગ વાપરી ચાંપરાજ વાળાની સજા રદ કરાવી દીધી અને દશ બાર વરસ સુધીની એની મજુરીના જે બસો ત્રણસો રૂપીઆ એના નામ પર જમા થયેલા તે આપીને, ચાંપરાજ વાળાને રજા દીધી. મઢમ બહેનની વિદાય લેતી વેળા બહારવટીયાની ખુની આંખોમાંથી પણ ખળળ ! ખળળ ! આંસુડાં વહેવા લાગ્યાં. મઢમનું હૈયું પણ ભરાઈ આવ્યું.

પડખેના બંદરેથી વ્હાણમાં બેસીને ચાંપરાજ વાળો ભાવનગર ઉતર્યો. પહાંચ્યો મહારાજ વજેસંગજીની પાસે. કચારીમાં જઈને પગે હાથ નાખ્યા. “મારો કનૈયાલાલ ! મારો વજો મહારાજ !