આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સોરઠી બહારવટીયા
 

ખેંચી લઇને નાથાએ ડચકારો કર્યો, ગોધલાની પીઠ ઉપર જરાક હાથ દીધો ત્યાં તો સમતોલ પાણીની અંદર સમા પવનનું નાનું વ્હાણ વેગ કરે તેવી ચાલ્ય કાઢીને ગોધલા ઉપડ્યા. ધૂળની ડમરીઓ ચડાવતું ગાડું તોપના ગોળાની માફક ગડેડાટ કરતું જાય છે. થોડીક વારમાં તો જામનગરની સરહદના રાવલ ગામને પાદર આવીને નાથો અટક્યો.

થાણામાં ગયો. જે મળે એને પૂછે છે કે “ભાઈ, મારી ફુઈની દસ ભેસુ-પાંચ કુઢીયું ને પાંચ નવચંદરીયુ ” ....

એનું વેણ અધુરૂં રહી જાય છે, ને જવાબ આપ્યા વગર થાણાનાં માણસો આંખ કાઢીને સરી જાય છે. આખી રાત નાથો ભૂખ્યો ને તરસ્યો વાવડ કાઢતો રહ્યો. પોતાને રોટલો કે ગોધલાને કડબનું એક રાડું પણ નથી મળ્યું. બીજી વાતમાં એનું ચિત્ત જ નથી. સહુને ભેંસો વિષે પૂછે છે, સહુ એને ધક્કે ચડાવે છે, એમ કરતાં કરતાં નાથો મામલતદારના ઘરમાં પેઠો,

“કોણ છો એલા ?” મામલતદાર તાડુક્યો.

“મારી ફુઈની ભેસુ, પાંચ કુંઢીયું, પાંચ ”....

“તારી ફુઈ જામ સાહેબની પટરાણી તો નથી ને ? પ્રભાતના પહોરમાં પારકા મકાનમાં પૂછયા ગાછ્યા વગર પેસી જાછ તે કાંઈ ભાન છે કે નહિ ? બહાર ઉભો રે'.”

“પણ મારી ફુઈનાં છોકરાં વીયાળુ વગરનાં...”

“અરે કમબખત ! બહાર નીકળ, મોટા રાવળ જામ !”

“પણ મહેરબાન, તું ગાળ્યું કાંવ કાઢછ ? હું તો તારી પાંસળ અરજે આવ્યો છ !”

મેર લોકો હમેશાં સહુને – રાયથી રંક તમામને તુંકારે જ બોલાવે છે. પરંતુ એ તુંકારા કરતી વેળા યે પણ એ તો ગરીબડો થઈને જ બેાલે છે, આવી પ્રથાનું ભાન ન રાખનાર એ મામલતદારનો પિત્તો ગયો. એણે ધક્કો મારીને નાથાને ઉંચી પરસાળ ઉપરથી નીચે પછાડ્યો. જે માણસો હાજર