આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૮૧
 

હતાં એ સહુ સાહેબની હુશીયારી અને નાથાની હીણપ જોઇને હસવા લાગ્યાં. પડી ગયેલો નાથો ઉભો થઈને ધૂળ ખંખેરવા લાગ્યો.

“ઠીક સા'બ : રામ રામ ! ” કહીને નાથો ગાડે ચડી પાછો ત્યાંથી નીકળ્યો. ગામનાં લોકોએ વાવડ દીધા કે દસે ભેંસો હાંકીને આયરો રાણપરે લઈ ગયા છે. નાથાએ રાણપરડા ઉપર ગાડું રોડવી મેલ્યું. સીધે સીધો રાણપરડાના થાણામાં ગયો. ત્યાં પણ અમલદારે બરછીના ઘા જેવો જવાબ દીધો કે “તારી ફુઈની ભેસું ને ? હા, જામ સાહેબે હમણાં રાણપરાનો નવો ગઢ બંધાવ્યો ને, એમાં તારી ફુઈની ભેંસનાં શીંગ ચણાઈ ગયાં – ભૂલ ભૂલમાં હો ! સમજ્યો ને ભાઈ ? હવે કાંઈ ચણેલો ગઢ તારી ભેસું સાટુ પાડી થોડો નખાય છે ?”

“ના સા'બ ! ગઢ પાડજો માં. હજે બેવડો ચણજો. હું હવે મારો હિસાબ જામની હારે જ સમજી લેશ.”

“ઓય મારો બેટો... ! તું શું બારવટુ કરીશ ?”

પડખેથી એક આયર બેાલ્યો, “હા હા સાહેબ, એનો દાદો કાંધો મેર બારવટે નીકળ્યો'તો અને એનો બાપ વાશીયાંગ પણ આપણા રાજની સામે બારવટું કરતો'તો. આશીઆવદરથી ખડનો ભર ભરીને લઈ જતો'તો એટલે ઇજારદારે એનો ભર આંચકી લીધો તો.”

“તી મારે બાપે તો પડી જમીનમાંથી ખડ લીધુ'તું, કાંઇ કોઈના ખેતરમાંથી નુતું લીધુ -” ભોળો નાથો આજ પચાસ વર્ષે પોતાના બાપનો બચાવ કરવા લાગ્યો.

“ઓહોહો ! ત્યારે તો આ બીજી પેઢીનો પાકેલ શૂરવીર નગરના રાજને ઉંધું ચતું જ કરી મેલશે હો !”

સાંભળીને નાથો ચાલ્યો. ભાણવડ ગયો. જામનગર ગયો. વધુ તો બોલતાં ન આવડે, એટલે “મારી ફુઈની ભેંસું ! પાંચ કુઢીયું, પાંચ નવચંદરીયુ.…….” એવાં મેર-ભાષાનાં ભાંગ્યાં ત્રુટ્યાં વેણ બાલે છે.