આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સોરઠી બહારવટીયા
 


પણ નગરની દોમ દોમ બાદશાહીમાં પોરબંદર તાબાના મોઢવાડા ગામના નાથા મેર નામે ખેડુને ઉભવાનું ઠેકાણું જ નહોતું. રંગમતીને કાંઠે ભૂખ્યા ગોધલાને રાત બધી ચારો કરાવી, રૂપમતીનાં પાણી પાઈ, ગાડું પાછું હાંકી મેલ્યું. પણ હાંકતાં હાંકતાં જામના દરબારગઢના કાંગરા ઉપર, પાછું જોઈને કરડી નજર ઠેરવતો ગયો. જાણે કેમ પોતાની દૃષ્ટિથી જ એ કાંગરાને તોડવા મથતો હોય, એવા જોરથી નજર નોંધતો ગયો.

કાળભર્યો આવ્યો પાછો રાણપરડાની સીમમાં. બપોર તપે છે. સાંતીડાં છોડીને ખેડુતો આડા અવળા થયા છે. ફક્ત બે ગોવાળીયા ગામનું ખાડું ચારે છે. એક સો જેટલી હાથણી સમાન ભગરી ને કુંઢી ને નવચંદરી ભેંસોએ ગાડાની ધણેણાટી સાંભળી કાન માંડ્યાં. ડોક ઉંચી કરી. ગોવાળીયા પોતાના ગોબા લઈને ઉભા થઈ ગયા. ત્યાં તો ગાડું હાંકીને ઠેઠ સુધી નાથો ધસી આવ્યો. આવીને પડકાર્યું કે.

“એલા આયડુ, આ ક્યાંનો માલ ?”

“રાણપરડાનો.”

“મારી ફુઈનાં છોકરાં વીયાળુ વન્યા સુવે છે ઈ ખબર છે ને ?”

“તે શું છે?”

“અને મારે ય ત્રણ દિ'થી વીયાળુ અગરાજ થયું છે.”

“તે પણ છે શું ?”

“આ ભેંસુને દૂધે આજ સીસલી જઈને વીયાળુ કરવું છે.”

“ભેંસુંનાં મૂતરે વીયાળુ કર્ય, મૂતરે. જો ગગો જામસા'બની ભેંસું દોવા આવ્યો છે.”

“માલને છાનામુના મોઢા આગળ કરી દીયો છો, કે હું જ હાંકે લાં?"

"હવે હાલતો થા હાલતો, રોંચા !”

“કોઈ વાતે નથે સમજવું ના ?”