આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સોરઠી બહારવટીયા
 

હદમાં પડ્યો છે. પ્રેમ અને શૂરાતનની અલૌકિક વાતો હજુ પણ આભને કહી રહેલો આભપરો ડુંગર પણ ત્યાં જ ઉભો છે. ઘુમલીનાં દેવતાઇ ખંડેરો પણ હજી ત્યાં પડ્યાં પાથર્યાં દેખાય છે. હલામણની સોનનાં આંસુડાં ત્યાં જ છંટાણા છે. સોન કંસારી નામની વીર રાખાયશ બાબરીયાની અંખડ કુમારી રાણીને જેઠવા રાજાના કામાગ્નિમાંથી ઉગારવા માટે કતલ થઈ જઈને સવા શેર જનોઈના ત્રાગડા ઉતારી દેનાર થાનકી બ્રાહ્મણો પણ પૂર્વે ત્યાં જ પોઢ્યા છે. પ્રથમ તો એ આખો ય દેવતાઇ પહાડ જેઠવાને આંગણે હતો. પણ કહેવાય છે કે ડુંગરમાં કોઈક ગોરાનાં ખુન થયાં, જેઠવા રાજાને માથે ગોરી સરકારનું દબાણ આવ્યું. જેઠવા રાજાએ ઢીલા પોચા કારભારીની સલાહને વશ થઈ જવાબ દીધો કે “જ્યાં ખુન થયાં તે સીમાડો મારો નહિ; નગરનો.” નગરનો જામ છાતીવાળો હતો. એણે જોખમ માથે લઈને કબુલી લીધું કે “હા હા ! એ ડુંગર મારો છે.” ત્યારથી બરડાનો અમુલખ ભાગ નગરને ઘેર ગયો, પોરબંદરના હાથમાં નાનકડી પાંખ રહી.

એ પાંખ ઉપર, થોડાં થોડાં ઝાડવાંની ઘટા વચ્ચે, બહુ ઉંચેરો નહિ, કે બહુ નીચેરો પણ નહિ, એમ “પોલો પાણો” આવેલ છે. ૩૨ ફુટ લાંબુ ને ૧૬ ફુટ પહેાળું એ પોલાણ છે. બેઠકથી સાડા ત્રણ ફુટ ઉપર, છજાવાળી જબરદસ્ત શિલા છે. પણ નાથા બારવયાની ઘોડીને ઉભી રાખવા માટે, વચ્ચોવચ્ચ એ છજાની શિલા થોડાક ભાગમાં કોરી કાઢી છે. છાપરાની શિલા ઉપર, બરાબર ઓથ લઈને માણસ બેસી શકે એવી ચાડિકાની બેઠક છે. એ બેઠકમાં આખો દિવસ એકકેક આદમી ચોકી કરતો અને અંદર પોલાણમાં નાથા ભાભાનો દાયરો મળતો. પડખે ઘોડાંને પાણી પાવાની તળાવડી પણ અત્યારે 'નાથા તળાવડી' નામે એાળખાય છે. ત્યાર પછીના વાઘેર બહારવટીયા જ્યાં રહીને દાંડીયા રાસ લેતા તે 'માણેક ચોક' નામની જગ્યા પણ પોલા પાણાથી ઝાઝી દૂર નથી. પોલા પાણાને 'ડોકામરડો' પણ કહે છે