આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૮૭
 


દુશ્મનની મોટી ફોજોની પણ કારી ન ફાવે એવી આ વંકી જગ્યાનો ઓથ લઈને નાથો મેર જામના બારાડી પરગણાનાં ગામડાં ભાંગવા માંડ્યો. ગુંદુ ભાંગ્યું, આસીયાવદર ભાંગ્યું, અને જામશાહી કોરીઓના ખણખણાટથી પોલો પાણો રણકારા દેવા લાગ્યો. પછી તો રાવણહથ્થાના તાર ઉપર નાથાના રાસડા ચડી ગયા. આસપાસના મેરોનાં ગામનો જબ્બર વસીલો નાથાના સાથમાં હતો અને રૂડાં રૂડાં રૂપવાળી મેરાણીઓ ઓઢણાંને ચારે છેડે મોકળાં મેલી, ઝુલ્યોથી શોભતી હાથણીઓ જેવી, રાત પડતાં પોતાની પાતળી જીભે ગામડે ગામડે નાથા ભગતનાં વીરત્વના રાસડા લેવા લાગી, તેમ તેમ નાથાની નસોમાંથી શૂરાતન છલકાઈ જવા લાગ્યું, અને સોરઠમાં અમરેલી સુધી 'નાથા મેર'નું નામ ગાજતું થયું. બારવટીયો હતો છતાં, 'ભગત' નામની એની છાપ ભુંસાઈ નહોતી.

ક દિવસને આથમતે પહોરે ચાડિકાની નજર ચૂકવીને પાછળની કેડીઓમાંથી એક ઘોડેસ્વાર ચડી આવ્યો, અને ઠેઠ પોલે પાણે પહોંચ્યો. રાંગમાં રૂમઝુમતી ઘોડી છે. હાથમાં ભાલો, કેડે તરવાર, ખભે ઢાલ, મ્હેાંયે દાઢીમૂછના ભરાવ અને કરડી આંખો છે. આવીને આખો દાયરો બેઠો હતો તેને ઘોડી પર બેઠાં બેઠાં કહ્યું કે “એ બા રામ રામ !”

સો જણાએ સામા કહ્યું “ રામ !”

પોલો પાણો પણ પડઘો દઈને બોલ્યો કે “રામ ?”

“આમાં નાથા ભગત કોણ ?”

“ન ઓળખ્યો આપા ? તેં રામ રામ કર્યા ને ?”

“એ તો અજાણમાં સહુની હાર્યે રામ રામ કર્યા ?”

સાવઝ જેવું ગળું ગુંજી ઉઠ્યું કે “હું નાથો, હું. લે ભા, હવે કર ફરી વાર રામ રામ, અને ઉતર હેઠો.”