આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
સોરઠી બહારવટીયા : ૨
 

“સાચું કહ્યું રવા માણેક !” જોધા માણેકે આ વસીવાળા ચારે જણાના ચહેરાની ખુન્નસભરી કરડાકી અને દોંગાઈની રેખા પારખીને ટુંકો જવાબ વાળ્યો.

“ત્યારે હવે લાવો વારૂ.”

“હાજર છે ભા !” કહીને ધ્રાશણવેલના વાઢેલ ગરાસીઆ દાદાભાઈ ને રામાભાઈ ઉઠ્યા. સહુને થાળી પિરસાણી.

“ભારી દાખડો કર્યો દાદા ભા !”

બે હાથ જોડીને પોતાના વાઘેર ભાઈઓની સામે દાદોભા વાઢેલ ઉભો રહ્યો : “આપ તો ધણ જોગ, પણ અસાંજી સંપત એતરી, ભા !”

શગડીએ પોતાના હાથ પગ શેકતા, વાળુ કરીને સહુ બેઠા. એટલે વસીવાળા રવા માણેકે પોતાના બઠીઆ કાનની બુટ ખજવાળતાં ખજવાળતાં વાત ઉચ્ચારી કે

“ત્યારે હવે શું ધાર્યું છે સંધાએ ?”

“હવે તો ગળોગળ આવી ગયા છીએ.” જોધાણી કુંભાણીએ વાતને વેગ આપ્યો.

“ઓખામંડળના ધણી હતા, તે તો મિટાવી દીધા. પણ રાબ રોટલો ખાવા જેટલી જીવાઈ બાંધી આપી છે, તે પણ વહીવટદાર છો મહિનાથી ચૂકવતો નથી.”

“હાથે કરીને પગે કુવાડો આપણે જ માર્યો છે ને ?”

“કોણ છે ઈ માડુ ! જોધો માણેક ને ? જોધાએ કાયમ આપણી જ કસૂર કાઢી છે.”

“હું જૂઠ નથી બોલતો ભા ! આપણે રાજા મટીને ચોર ઠર્યા તે આપણે જ લખણે. પોણોસો વરસથી સંભારતા આવો; આપણે કેવાં કામાં કર્યાં ? નગર, પોરબંદર ને ગોંડળ જેવાં રજવાડામાં લૂંટ આદરી : એટલે માર ખાધો, ને ફક્ત પાંચ ગઢ, ને સતાવીસ ગામડાં રહ્યાં.