આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૦૫
 


“હા, પછી જોધા ભા ?” રવો દાઢવા લાગ્યો.

“ પછી શું ? પચાસ વરસ ઉપર આપડે જ વડવે ભેળા થઈ રાણી સરકારના વેપારીનું વ્હાણુ લૂંટ્યું. અને એમાંથી એક ગોરાને ને એક બાપડી મઢમને દરિયામાં ફેક્યાં. ફેંક્યા તો ફેંક્યા, પણ એ લૂંટ ને એ ખૂનની વળતર રૂપીઆ સવા લાખ ચૂકવવાનું કબુલીને પછી ખૂટલાઈ કરી ન ચૂકવ્યાં, ત્યારથી વાધેર ઈજ્જત ગુમાવીને ચાંચીઆ ઠર્યા. દરિયામાં લૂંટવા સિવાય આપણા વડવાએ કર્યું શું ? ઓખાના બારામાં ટોપીવાળાનાં વ્હાણ પેસી ગયાં તે આપણાં જ પાપે. ”

“રંગ છે વાધેરના પેટને ! બલોયાં પહેરો બલોયાં, જોધા ભા !”

“હવે તો ક્યારનાં યે બલોયાં કાંડામાં પડી ગયાં, રવા ભા ! તું ને હું જીવીએ છીએ, ને ઓખો ખાલસા થઈ ગયો, આપણે ધણી હતા તે જીવાઈદાર થયા. આપણે માથે લશ્કરનાં બટાલીઅન બેઠાં, ઠેર ઠેર થાણાં થપાણાં. કપ્તાનો રસીડાન્ટો, ને પોલીટીકાલોનું તો કીડીયારૂ ઉભરાણું ! અને આ ગાયકવાડીનો જુલમ તો હવે જોયો જાતો નથી. ”

“ગઈ ગુજરી જવા દો જોધા ભા ! અને હવે કહો, આપણે કરવું શું ?” જોધા માણેકના આજ્ઞાવશ વાઘેરોએ અગ્નિ ઉપર રાખ વાળી.

“આપણે કરીએ છીએ તેના ઉપર આ વસીવાળા ભાઈઓ ધુળ વાળી દે છે એનું શું કરવું ?” જોધાએ કહ્યું.

“શું ધુળ વાળી ?” રવો ડોળો ફાડીને બોલ્યો.

“તમે વગર કારણે આરંભડું ભાગ્યું. તોરમાં બેટનો કિલ્લો કબ્જે લીધો, એમ સાત ગામડાના ગરાસીઆએ ઉઠીને સમદરનાં પાણી જેવી સરકારની સત્તા સામે ઉતાવળી બાથ ભરી. એમાં સરકારની ધુંવાધાર તોપું આવીને આપણા બારામાં ડાચાં ફાડી ઉભી છે. અને જાત્રાળુઓ રણછોડરાયજીનાં દર્શને ન આવી શકે, એ પાતક કાંઈ ઓછું !”