આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૧૧
 


મુળુએ હાકલ પાડી કે “ભાઈ ! ક્યો વાઘેર બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે ? છે કોઈ ઠેકનારો ?”

“હું !” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મ્હોંમાં તલવાર પકડીને એણે ઠેક મારી, “જે રણછોડ !” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળીયું નાખીને બીજા સહુને ચડાવ્યા.

અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમૂછાળા ચડી ગયા, અને છતાં પણ આખો કિલ્લો અડદના દાણા છાંટયા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઉમટ્યો : વાઘેરનું એકેએક ખેારડુ હલક્યું. જે રણછેડ ! જે રણછોડ ! ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દિવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મ્હોં કાઢ્યું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મુળુએ ચસ્કો કર્યો :

“જોધો કાકો અચેતો ! પાંજો પે અચેતો ! હણેં ફતે હુઈ વઈ ! ”

જોધો માણેક ચાલ્યો આવે છે. ઓચીંતો આ વિજય-ટંકાર દેખીને એના મ્હોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડીયા જાદવાના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઉપડી. પણ જોધો સમય વર્તી ગયો.

“જે રણછેડ કાકા!”

“જે રણછેડ મુંજા પેટ ! રંગ રાખી ડીનો ડીકરા !”

કહેતો જોધો નીસરણીએ ચડ્યો, આડસરની નીસરણી કડાકા લેવા માંડી. અને ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી લીધા.

“નારાયણરાવ ક્યાં છે ? એની મેડીમાં કો'ક પહોંચો. ઈ જુલમના કરનારાને પગે ઝાલીને બે ફાડીયાં કરી નાખીએ, ઝાલો ઈ મહેતાને !” મુળુ માણેકે હુકમ દીધો.