આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
સોરઠી બહારવટીયા : ૨
 

“આ જુવો, માતાજીની ધજા સામે પવને ઉડે છે. હવે વારના ભાર નથી કે આપણને અાંબે. માતાજીએ વગડામાં અાંધળાં ભીંત કરી મેલ્યાં હશે.”

ડાભાળા ખડામાં જઈને બહારવટીયાઓએ પડાવ નાખી દીધો. ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાધેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ, જોધા માણેકનો દાયરો પણ રાજાની કચેરી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યા. સહુ આગેવાનો આ ઓચીંતી ઉથલ પાથલને યાદ કરી કરી, શું થઈ ગયું તેના વિચારમાં ડુબી ગયા, જાણે સ્વપનું આવીને ઉડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યું,

“દ્વારકાના કાંઈ વાવડ ?”

“વાવડ તો બહુ વસમા છે બાપુ ! સોજીરોએ દેરાં માથે અકેકાર ગુજારવા માંડ્યા છે.”

“શું થયું ભાઈ ?”

“દખણામૂરતીની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયું ને પણ ભાંગફોડ કરી ”

“હા ! હા !” કહી જોધાએ અાંખ મીંચી.

“બીજું બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા, વળતે દિ' સવારમાં ડોનવેલ સાબે સોજીરૂંને લૂંટ કરવાને હુકમ દીધો.”

“લૂંટ કરવાનો હુકમ ?”

“હા બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પેલા પરથમ તો કરાંચીના વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થયા. પછી ઉઘાડી તરવારે કૂતરાંની, મીંદડાંની, ઢોર ઢાંખર જે મળ્યું તેની અને રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.”