આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
સોરઠી બહારવટીયા : ૨
 

“આપણી ગોતમાં ફોજું દસે દૃશ્યે પાટકે છે. એક પલટન વશી ગઈ'તી, ત્યાં કોઈ બારવટીયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફુંકી દીધી.”

“વશી બાળી નાખ્યું ? માંહીની વસ્તીનું શું થયું ?”

“કો'ક ભાગી નીકળ્યાં, ને કો'ક સળગી મર્યાં. ઢોર ઢાંખર તો ખીલે બાંધેલાં જ સસડી મુવાં હશે.”

“પછી ફોજ કેણી કોર ઉતરી ?”

“સગડ લીયે છે. પોશીતરા, સામળાસર અને રાજપરા સુધી પગેરૂં ગયું છે, ને હમણાં અહીં આવ્યા સમજો બાપુ !"

“હવે આપણને કોણ સંઘરશે ? દોઢ હજાર માણસોને સંતાવા જેવી વંકી જગ્યા હવે ફક્ત એક જ રહી છે, હાલો. ભાઈ, આભપરો આપણને આશરો દેશે.”

પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઉચેરા ભાગને 'આભપરો' નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓને કાજે ભૂતના હાથે બાંધેલ હલામણ જેઠવાનું ઘુમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં અાંસુડાં ટપક્યાં હતાં; જ્યાં રાખાયત નામનો ફુટતી મૂછોવાળો બાબરીયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઉગરવા બરડાઈ બ્રાહ્મણોનો એાથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઉતરે તેટલા અટંકી બ્રાહ્મણોને વઢાવ્યા હતા; જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઉજળાવરણી ને ઉજળાંલક્ષણી ઉજળી નામની ચારણ-કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબુલી લીધુ હતું.