આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સોરઠી બહારવટીયા : ૨
 

પછી એક ગોળા પડવા લાગ્યા. જોધો જોઈ રહ્યો : “ આ કોણ જાગ્યો ?”

જાણભેદુએ કહ્યું “કોડીનારના નગર શેઠ કરસનદાસની એ મેડી, જોધાભા ! અરબસ્તાન સુધી એનાં વ્હાણ હાલે છે.”

“વાણીએ તોપો માંડી ?”

“જોધાભા ! એ તો નાઘેર કાંઠાનો વાણીઓ : રજપૂત જેવો.”

ધડ ! ધડ ! ગોળા આવવા લાગ્યા, તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરૂબંધ ઉપર મંડાણી. ભેરૂબંધ સમજી ગયો. કાઠીઆવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રજપૂત આંબલી પર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંધીને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો.

ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણીઆએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નીસરણી માંડીને ઉઘાડી તલવારે આગળ થઈને ચડ્યો. દરવાનોને ઠાર કરી. દરવાજા ઉઘાડા ફટાક મેલી, પોતાના સરખે સરખા સો જણને અંદર દાખલ કર્યા. બંદુકોમાં આઠ આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી, બેબે ખોબે દારૂ ભરી માણસો જે ઘડીયે હલ્લા કરવાં ચાલ્યા તે ઘડીયે જોધો આંગળી ઉંચી કરીને ઉભો રહ્યો:-

“સાંભળી લ્યો ભાઈ ! વસ્તીની બોનું ડીકરીયુંને પોતપોતાની બોનું ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મેતા મુસદ્દીઓને હાથ કરજો ! પછી વેપારીઓને પકડજો ! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો !”

ગામમાં પેસીને વાઘેરો છૂટા છવાયા ભડાકા કરવા લાગ્યા, તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટીયાને વિનવવા લાગી કે “એ બાપા ! બંદૂકું બંધ કરો. મારૂં ગરીબનું ઘર ભાંગી પડશે.”