આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સોરઠી બહારવટીયા : ૨
 

છે. ઉપલે માળે જાય તો પાણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથી યે ઉપરને માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તલવારના ગંજ દીઠા, અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી.

હસીને બહારવટીઆએ પુછ્યું “કાં શેઠ, શો વિચાર હતો ?”

નગરશેઠે જવાબ દીધો “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણા છે. મરવું મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છું કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને જો મને ગામની બાયું દીકરીયુંની બેઇજ્જતીની બીક હોત, તો –બડાઈ નથી મારતો ૫ણ-લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારૂં ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક !”

“રંગ તુંને ભા ! રંગ વાણીઆ ! એમ બોલતો બહારવટીયો હેતભરપૂર હૈયે નગરશેઠને બથ ભરી ભેટી પડ્યો.

પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટીયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા.

“દીકરાઓ !” બહારવટીયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપુ છું.”

ગોઠ જમીને બહારવટીયો નીકળી ગયો. [૧]શેઠનો દંડ ન લીધો.

સરકારી કચેરીની અને દુકાનોની લુંટ ચલાવી. બીજે દીવસે બ્રાહ્મણોને ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસીઆ નીર્યા. ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા ચારણ બારોટોની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણે દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલે નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યું. ન્યાય ચુકાવ્યા, રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગિરના કોઈ


  1. *આ શેઠને પાછળથી વેલણ ગામ ઈનામમાં મળેલું અને દિ. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.