આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
સોરઠી બહારવટીયા:૨
 


જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ “જોધા આંબલી” નામે એાળખાય છે. સાંસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઉભી છે.

૧૯

"મરતાં મરતાં કાકા કાંઈ બોલ્યા'તા ?”

“હા, મુરૂભા ! કહ્યું'તું કે મુરૂનો તો મને ભરોસો સોળે સોળ આના છે, પણ દેવો લપટ્યા વિના નહિ રહે.”

મુળુ માણેકે નિસાસો નાખ્યા. એનાથી બોલાઈ ગયું કે “દેવો ! સાચી વાત. દેવો ભાઈ ઘણો ય હતો તો દેવતા જેવો, પણ એના જુલમની વાતું મારે કાને પોગીયું છે. અને વાઘેરૂંના નેજાના સતનો આધાર જોધો કાકો જાતાં મારો રૂદીયો હવે આ ધીંગાણામાં ઠરતો નથી. મુને ફાળ પડે છે કે દેવો ભાઈ વખતે વાઘેરૂંના વાવટાને બટ્ટો બેસારશે.”

ઓખામંડળના થડમાં કોઈ વંકી જગ્યાએ ઉતરીને મૂળુ માણેકે કાકાનું સ્નાન કર્યું છે, કાળાં લુગડાં પહેર્યાં છે, અને કાકાનો પ્રતાપ પરવારી બેસવાથી એને બારવટું સંકેલી લેવાના મનસૂબા ઉપડ્યા છે. પડખે [૧]દેવુબાઈ બ્હેન પણ ઉભી છે. એનાથી ન રહેવાયું. ભાઈની સંગાથે રઝળી રઝળીને પોતાનાં અનોધાં રૂપ હારી બેઠેલી, નીચોવાઈને કંગાલ બની ગયેલી બ્હેને આ ટાણે ભાઈને પડકાર્યો કે

“ભા ! દુ:ખ ભોગવવાં દોહ્યલાં થઈ પડ્યાં ? ત્રીસ જ વરસની અવસ્થાએ ઘડપણ ચડ્યાં?”


  1. *“દેવુબાઈ' નામની બ્હેન બાળકુંવારી રહીને બળવામાં વાઘેરોને પડકારતી બહાર નીકળેલી, એ વાત બીજે સ્થળેથી મળી હતી. પણ દ્વારકાના વાઘેરો 'દેવુબાઈ' જેવું કોઈ પાત્ર થઈ ગયાનો ઈન્કાર કરે છે.