આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક"મૂળુ માણેક
૧૬૫
 

એનો પિછો લઈને બહારવટીયા આવી ચડ્યા. ખુબ ધમકી આપી પૂછપરછ કરી, પણ બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે “આ ડોસી તો અમારા ઘરનાં છે.”

“તો ખાવ એની સાથે એક થાળીમાં.”

બ્રાહ્મણો એ રતન ડોશીને એક થાળીમાં જમાડ્યાં. ઈતબાર રાખીને બહારવટીયા ચાલ્યા ગયા.

એક ખોજાના ઘરમાં પેઠા. કોઈ ન મળે. “એલા ભાઈ ભારી લાગ !” કહેતા બહારવટીયા અંદર પેઠા. પેસતાં જ એક ઓરતને સુવાવડના પથારીમાં પડેલી દીઠી. ચુપાચુપ બહારવટીયા બહાર નીકળી ગયા.

સાંજે ઢોલ શરણાઈ વગડાવતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળા ઉપર મૂઠીએ મૂઠીએ કોરીઓ વરસાવતા નીકળી ગયા. એકંદર એક લાખ કોરીનું નુક્શાન કરી ગયા. દેવા વિઠ્ઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા. તે ઉપરથી હજુ પણ માધવપૂરને મેળે આવનારી કંઠાળની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બેાલે છે તેની એક લીટી આ છે:

“દેવા ! તારી જૂની જામશાઈ કાઢી.”

બીજે જ દિવસે ગલાલચંદ શેઠ અલોપ થયો. કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો. કદાચ એણે શરમથી કે બ્હીકથી આપઘાત કર્યો હશે.એનો પતો લાગ્યો જ નથી.

બીજે દિવસે દરબારી ગિસત આવી. ગામ ઉપર ન કરવાનો જુલમ કરી, મોજ ઉડાવી ચાલી નીકળી.