આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો ભાણેક : મૂળુ માણેક
૧૬૭
 

છે, ત્યાં વાવડ આવ્યા કે “સડોદડવાળો રાજા બહાદૂર [૧]જાલમસિંહજી નગરથી જામ વીભાની મોટી ફોજ લઈ આજ મરણીયો બનીને આવે છે. ને લગોલગ આવી પહોંચ્યો છે.

ફોજ આવી ! વાર આવી ! એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટીઆ રણ ભણી ભાગી છૂટ્યા.

બહારવટીયા પાળા ને વાર ઘોડાંવાળી : રાજબહાદૂર લગોલગ આવી જાય છે, વાઘેરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મુળુ માણેકની આજ્ઞા છે કે “વારને બીવરાવજો. ભડાકો ન કરશો. ચાહે તેમ તોયે એ રાજાનું કુળ છે. હજારૂનો પાળનાર વદે.”

થાતાં થાતાં તો વાર આંબી ગઈ, અને બહારવટીયા આકળા થયા. ત્યારે મુળુએ કહ્યું “ મીયા માણેક ! રાજબહાદુરને રોકી દે. પણ જોજે હો, એને જખમ કરતો નહિ.”

પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તેજ મીયો માણેક આખી ફોજની સામે એકલો ઉભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધા કે “રાજા બહાદૂર ! તુને અબ ઘડી મારી પાડું. પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો એક કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.”

એટલું બોલીને મીયે બંદુક ફટકારી. ગોળી શત્રુની કમર પર અડકીને ગઈ, શરીરને ચરકો પણ કર્યા વગર રાજા બહાદૂરનો જમૈયો ઉડાવી દીધો. મીયો મ્હોં મલકાવીને બોલ્યો:

“આટલી વાર ! રાજા બહાદૂર ! પણ તુને ન મરાય. તું તો લાખુનો પાળનાર !”

જમૈયો જાલમસંગરે, ભાંજો તે ભોપાળ
દેવે જંજાઉં છોડીયું, ગો ઉડે એંધાણ.

રાજા બહાદૂર પાછા ફરી ગયા ! એની કાફીઓ જોડાઈ;

જાલમસંગ રાજા વાઘેરસેં કજીયો કીધો !
વાઘેરસેં કજીઓ કીધો રે-જાલમ૦


  1. *અત્યારના જામ રણજીતના સગા દાદા.