આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સોરઠી બહારવટીયા : ૨
 


૨૫

કેવો છો ભા ?”

“સૂતાર છું."

“આંહીં શીદ આવ્યો છો ? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડીયું નથી બંધાવવી.”

“હું આવ્યો છું મારા વખાનો માર્યો બાપુ ! સાંભળું છું કે સહુનાં સંકટ મુળુ માણેક ફોડે છે.”

“તને વળી કેવાનું સંકટ પડ્યું છે ?”

“મારી વેરે સગપણ કરેલી કન્યાને... ગામના સૂતાર સવેલી ઉપાડી જાય છે.”

“તે ભાઈ, અમે કાંઈ સહુના વીવા કરી દેવા બહાર નીકળ્યા છીએ ? જા, જઈને તારી નાત ભેળી કર.”

“નાત પાસે ગયો'તો. પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે. નાતને એણે રૂપીઆ ચૂકવ્યા ને જમણ દીધું. એટલે પછી ગરીબની વાર હવે નાત શેની કરે ?"

“નાતે ય રૂશ્વત ખાધી ? હરામી નાત કાંઈ પેધી છે ! તે, ભાઈ, તારા રાજાની પાસે જાને ?”