આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક:મૂળુ માણેક
૧૭૧
 


“ત્યાં ય જઈ આવ્યો. પણ સામાવાળાએ રાજાને ય રૂપીઆ ચાંપ્યા. રૂપીઆ ખાઈને રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહિ આવીએ !”

“આવી નાત ને આવા રાજા !"

“મુળુભા બાપુ ! તમે મારો નીયા કરે : હું રાંડીરાંડનો દીકરો : નાનેથી મારે માથે વેવાર પડ્યો. વાંસલા ચલાવી ચલાવી પાઈએ પાઈએ નાણાં સંધર્યા. પાંચસો કોરી દીધી ત્યારે માંડ વેવીશાળ થયું. હું તે કોડે કોડે લગન સમજવા જાઉ છું, ત્યાં તો સાસરાએ ધક્કો દઈને કહ્યું “જા જા ભિખારી, તને ઓળખે છે કોણ ?” આવો અનીયા ? અને તમારૂં બારવટુ ચાલે તે ટાણે ?”

“હેં એલા, કન્યાનું મન કોના ઉપર છે ? તારા ઉપર ? કે સામાવાળા ઉપર ?”

“મારા ઉપર, બાપુ ! સામાવાળો તો ફક્ત શાહુકાર છે, કાંઈ મારા જેવો રૂડો નથી. એના હાથમાં તો વાંસલો ભળે છે જ ક્યાં ? ને હું અધરાત સુધી કામ કરૂં એવો. આ જુવોને મારી ભુજાઉં ! સાંજ પડ્યે પાંચ ઝાડવાં કુવાડે કુવાડે પાડી નાખું ! ખબર છે ?”

“બસ ત્યારે, બાવડાં સાબૂત હોય તો નીકળ અમારી હારે બારવટે. જો, લાવ તારો હાથ. આ કોલ દઉં છું. મુળુ માણેક પંડે તને કોલ દે છે, કે ઈ કન્યા સાથે તુને જ પરણાવવો. પણ એક શરત કબુલ છે?”

“બોલો બાપુ !”

“તુને પરણાવીએ. પણ એક રાત ઉપર વધારે વાર ઘેરે નહિ રેવાય. એકલે પંડે અમારી સાથે નીકળી જાવું પડશે. બારવટીયા એટલા તો જોગી જતિ, જાણછ ને ?”

સૂતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી