આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો મણેક:મૂળુ માણેક
૧૭૭
 

જુવાન આદમી: હાથમાં છે જમૈયો: જમૈયો ચક ! ચક ! ચક ! ચક ! થઈ રહ્યો છે. જુવાનને ઝીણી પાતળી દાઢી છે. મુસલમાન દેખાય છે. પણ નકલ નહિ, અસલ મુસલમાન છે: આરબ છે: ભેટમાં ત્રણ ચાર જમૈયા ધબ્યા છે.

ધસારો કરતો બહારવટીયો ઉભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા. અને હુકમ કર્યો : “એને કેડી દઈ દ્યો બેલી : એ બહાદુર છે : નવસોમાંથી એકલો ઉભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.”

માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી.

પણ શત્રુ ખસતો નથી.

એ તો ઉભો જ છે; હાથમાં ઉગામેલો ચક ! ચક ! જમૈયો ; ઠરેલી આંખો : ભરેલું બદન : ગુલાબના ગોટા જેવું મ્હોં : એવો શત્રુ, ભાગી ગયેલી ગીસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે, બુંગણ ઉપર ઉભો છે. એકલો ઉભો છે.

બહારવટીયો નિરખી નિરખીને જોઈ રહ્યો. બોલ્યો “શાબાશ બેલી ! છાતીવાળા જુવાન ! ચાલ્યો જા દોસ્ત ! તુંને ન મરાય ! તું શૂરો : ચાલ્યો જા !”

તો ય આરબ ઉભે છે. બહારવટીયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે, આકળો બહારવટીયો ફરી પડકારો કરે છે કે

“હટી જા જુવાન, ઝટ હટી જા !"

જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો “નહિ હટેગા !”

“અરે બાપ ! હટી જા. તું આંહી જાને નથી આવ્યો.”

“નહિ હટેગા ! હમ નીમક ખાયા ! હમ નહિ હટેગા !”

“અરે ભા ! હટી જા, અમારે દારૂગોળો હાથ કરવો છે.”