આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
સોરઠી બહારવટીયા:૨
 


“ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરૂપદે બેઠા છે.”

“કોની સામે ખેડો છો ? "

“પાદશાહ સામે. જુનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”

“શી બાબત ?”

“અમારાં ૪૫૦ ગામ જુનાગઢે આંચકી લીધા છે.

“બાળબચ્ચાં ?”

“જગદમ્બા જાણે. એની સામુ જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટનાં પખાંમાં છુપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઓની હત્યા કરે.”

“કેટલુક થયાં નીકળ્યા છો ?”

“કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”

“બારવટે પાદશાને પોગાશે બચ્ચા ?”

“સારાં ઘોડાં મળે તો પોગાય માડી ! અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ. ”

“જેસાજી ! ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઉંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જશે. જાવ બાપ ! સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશે. માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડુંમાં હડીયાપાટી કરશે. જેસાજી ! તેં મને તારૂં અંગ અર્પણ કર્યું , તો મારૂં વરદાન સમજજે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે'શે."

કહીને શક્તિ અલોપ થઈ ગયાં.