આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૧૯૯
 


"ગઢવા! જમવા મંડો ! કેમ થંભી ગયા ?”

પણ ગઢવો ખાતો નથી. ગામને પદર નટ લોકોના પંખા (પખાં : ટોળાં) ઉતર્યા છે. સાંજ પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારામાં તેડી લાવ્યાં, બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ થાળીમાં હાથ બોળતો નથી.

“ગઢવા ! વ્હેમાવ છો ?”

“તમે કેવાં છો મા ! મારી ચારણ દેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉ છું.”

“ગઢવા ! વન થાશો ? તો વાત કરીએ. ”

“માડી ! વન તો વાયે ય હલે : હું તો પાણો થાઉં છું : કહો જે કહેવું હોય તે : હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”

“ત્યારે ગઢવા !

પે પાલટીએં પાટ, પંડ પાલટીએં નહિ !
ઘર એાળખીએ ઘાટ, જગતે જે જેસંગતણા.

“ ગઢવા! બહુ બુરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી. અમે ગરાસીયા છીએ. ગંગાજળિયા રા'નું કુળ છીએ. અમારા પુરૂષોને માથે પાદશાહનો કોપ ભમે છે.”

“કોણ જેસોજી વેજોજી તો નહિ ?”

“એ જ અમે એનાં ઘરનાં માણસો !”

“તમારી આવી દશા બોન્યું ! આ બારવટાં ! પંડ પર પૂરાં વસ્તર ન મળે ? ખાવાની આ રાબ છાશું ?”