આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
સોરઠી બહારવટીયા : ૨
 


ગિરમાં રાવલ નદીના કિનારા પર જુનાગઢની દિશામાંથી ઘોડા જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઉભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસ્વારોને લઈને ભેખડો ટપી સામે કાંઠે જતાં. આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઉભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટીયાનો પીછો લીધો છે. ઠેઠ જુનાગઢથી ફોજ તગડતી આવે છે.

ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મ્હોંમાં તલવાર ઝાલીને ખીસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળાં પગલાં મેલીને અંદર ચાલ્યાં. બે પલંગ દીઠાં. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમઃ પતંગીયા જેવા ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તલવાર કાઢી ઠેકવા ગયો. ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પુછ્યું:

“કેમ પારોઠ દીધી ભાઈ ?”

“પાદશાહની બીકથી નહિ, બાપ ! ધરમની બ્હીકેથી.”

“શું છે ?”

“હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”

“કાંઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”

વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે એાઢાડી દીધી.

“હવે ભાઈ ! હવે કરૂં આ પાદશાહના કટકા ! આવો રંગ આપણી તલવારૂંને કે દિ' ચડશે ?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ધુમાવે છે.

જેસાજીએ મ્હોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઉંચો કર્યો.

“કાં ?”