આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
સોરઠી બહારવટીયા:૨
 

એક માણસે અવાજ દઈને બહારવટીયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યું,

“તેં ચેતાવ્યા ?”

“ હા, પાતશાહ સલામત ! મેં ચેતાવ્યા. ને હું તારો ચારણ છું. તુને આજ ખેાટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતાવ્યા બાપ !”

“ફોજ પાછી વાળો. જવા દ્યો બહારવટીયાને. ”

“એ પાદશાહ !” હસીને ચારણે હાકલ દીધી :

અયો ન ઉડળમાંય સરવૈયો સરતાનની,
જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો !

[સરવૈયો બહારવટીઓ સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પેાતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય.]

“એસા !” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટીઆને ગિરને ગાળે ગાળે ગોતો.”

હુકમ થાતાં ફોજ ગિરમાં ઉતરી.

દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં
(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત !

[પઠાણેાનાં દળ બહારવટીયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝટકાની ઝીંક ઝાલી શકી નહિ.]

માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ પાંચ પઠાણોને પછાડી પછાડી બે ભૂખ્યા તરસ્યા ને ભીંજાયલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થાતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.


  • કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. ને કોઈ કહે

છે કે સાંજણ ભંગડો.