આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
સોરઠી બહારવટીયા:૨
 


આંખે તમ્મર આવે એવો ઉંડો વાંકળો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી : એને કાંઠે કાંઠે નાનકડી સાંકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈ એને જાણતું નહિ. કેડીએ રોઝાડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે.

સૂવરનળો, રાવલ અને ઝેરકોશલી: ત્રણે નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલ-કોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઉંચી આભઅડતી અને સીધી, દિવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટીયા પાવરે પાવરે પાણી ખેંચતા. તે પરથી એનું નામ પાવરાપાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટકી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ જાણે બહારવટીયાને પોતાની ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે.

એક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા,

“ભાઈ વેજા ! જોયા દાદાને ?”

“હા, ત્રીજી પેઢી સુધી એને માથે ય આ વીતક વીતવાં લખ્યાં હશે ને !"

“ઉઘાડે ડીલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.”

“અને વીણી વીણીને ખંભા ઉપર શું નાંખે છે ?”

બે ય પૌત્રો દાદાની પડખે ગયા. ઉધાડી પીઠ ઉપર માંસમાં મોટા ખાડો દીઠો. ને ખાડામાં કીડા ખદબદે છે.

“કાં દાદા ! પાઠાને કેમ છે ?"

“બાપ ! જીવાત્ય પડી ગઈ. ઉઘાડું છું ત્યાં તો ઉછળી ઉછળીને બહાર પડે છે.”

“તે પાછા વીણો કાં ?”