આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
સોરઠી બહારવટીયા:૨
 

આવું. પછી હાંઉ ! કાયમનો વિસામો. બીજો અવતાર ક્યાં બારવટું ખેડવા આવવું છે ?”

રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પીંડો ભરતો જાય છે, ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખંભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મ્હોમાં તો સીસકારો ય નથી. આ દેખાવ જોઈને બારવટીયાનાં કલેજામાં જાણે શારડી ફરે છે.

ભર જે જે ભાલાળા તણે ઘાઘુંબે ઘમસાણ
અમદાવાદ અહરાણ, કાણ્યું માંડે કવટાઉત !


[ભાલાંવાળા બહારવટીયા જ્યારે અમદાવાદમાં જઈને ઘમસાણ મચાવે છે ત્યારે ત્યારે મુસલમાનોને ઘેર કાણ્યો-કલ્પાંતો મંડાય છે. ]