આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૧૩
 


ગંગદાસજીએ ઘોડો ઉભો રાખ્યો, નીચે ઉતરીને ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધો :

“જેસા વેજા ! બાપ, બેમાંથી એક જણો ઝટ મારૂં માથું વાઢી લ્યો. પછી માથું લઈને ભાગી નીકળો ”

“અરે દાદા ! આ શું બોલો છો ?”

“હા બાપ ! હવે મારાથી ડગલું યે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહી જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારૂં માથું કાપશે તો હું અસર ગતિ પામીશ. માટે મારી સદ્દગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો, વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.”

જેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહાપાપ એની નજર અાગળ ઉભું થયું. એ બેાલ્યો “ભાઈ વેજા ! મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિમ્મત હોય તો વાઢી લે."

“વાઢી લે મારા દીકરા !” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.”

ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવશમાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યાં. માર્ગે ઝાડવાં ને પંખીડાં યે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા ! ગોત્રગરદન ! ગેાત્રગરદન ! ગેાત્રગરદન !

બહારવટીયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. એાચીંતું જેશાજીને ઓસાણ આવ્યું;

"ભાઈ વેજા ! પાદશાહના માણસો દાદાના ધડને શું કરશે ?”

“દેન પાડશે.”

“પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. મેાટા બાપુ અસર ગતિએ જાય."